કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ વ્યવસ્થા અંગે વિગતો મેળવશે,રેસકોર્સ ખાતે સ્થળ તપાસ પણ કરશે, હીરાસરની વિઝીટ કરે તેવી પણ શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ફાઈનલ થઈ ગયા બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજકોટ આવી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી ખાતે તેઓ તમામ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારના રોજ 2 વાગ્યે હવાઈ માર્ગેથી એરપોર્ટ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ આગળના સત્તાવાર કાર્યક્રમ મુજબ અલગ અલગ કામગીરી કરવાની સાથે કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુમાં તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજશે. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીડીઓ દેવ ચૌધરી તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના વિવિધ વિભાગોના વડાઓ હાજરી આપવાના છે. મુખ્યમંત્રી આગામી 27 જુલાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની આ બેઠકમાં સમીક્ષા કરવાના છે. વધુમાં તેઓ રેસકોર્ષ ખાતે જ્યાં જનસભા યોજાનાર છે. ત્યાંની સ્થળ મુલાકાત પણ લેવાના છે. આ વેળાએ તેઓ તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ હાથ ધરશે. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હીરાસર એરપોર્ટની વિઝીટ કરે તેવી પણ શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના કાર્યક્રમ માટે મંડપ, એરપોર્ટ, મેનપાવર, વાહન વ્યવહાર, નિમંત્રણ, મીડિયા, પાર્કિંગ, એકોમોડેશન, હેલ્થ સહિતની 22 સમિતિઓની રચના કરવામાં આવી છે. હાલ જિલ્લાના 120 જેટલા અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સીએમ હેમુગઢવી હોલના કાર્યક્રમોમાં આપશે હાજરી, ઝવેરચંદ મેઘાણી શાળાની મુલાકાત પણ લેશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજકોટમાં ઝવેરચંદ મેઘાણી શાળાની મુલાકાતે જવાના છે. આ ઉપરાંત તેઓ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. વધુમાં હેમુગઢવી હોલ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે. જેમાં દિવ્યાંગો માટેનો
સ્નેહસ્પર્શ કાર્યક્રમ યોજાનાર છે. સાથે ચેકડેમ નિર્માણમાં તથા પશુપાલન ક્ષેત્રે ઉમદા કામગિરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રીના હસ્તે સબ રજીસ્ટ્રાર કચેરીના બે ઝોનનું થશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે બ્રિજના લોકાર્પણની સાથો સાથ બે સબ રજિસ્ટ્રાર કચેરીને નવા બિલ્ડિંગમાં જગ્યા આપવા માટે લોકાર્પણ કરવામાં આવશે. નોંધણી ભવનમાં સબ રજીસ્ટારનોંધણી ભવનમાં સબ રજીસ્ટાર કચેરી ઝોન 2 અને ઝોન 8
નું સ્થળાંતર કરવામાં આવશે. રુ.3.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા બિલ્ડીંગમાં બંને કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં ઝોન 2 નીચે મોરબી રોડ અને તેની આસપાસના વિસ્તારો તથા ઝોન 8 માં ગ્રામ્ય વિસ્તારોને તેનો લાભ મળશે.
મુખ્યમંત્રી સાથે સચિવોનો કાફલો પણ સમીક્ષા અર્થે આવે તેવી શકયતા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી શનિવારના રોજ રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા અર્થે આવી રહ્યા છે. ત્યારે અનેક સચિવો પણ આ વેળાએ સમીક્ષા અર્થે આવે તેવી શકયતા સેવાઈ રહી છે. ખાસ મુખ્ય સચિવ પણ શનિવારે રાજકોટ આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.