- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટ પધારશે
- ખેલ મહાકુંભ 3.0નો થશે શુભારંભ
- રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71.30 લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન
હજારો રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુ બાબરીયા તેમજ રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયના પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણી, સાંસદો પરશોત્તમ રૂપાલા, રામ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા, ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ગીતાબા જાડેજા, ડૉ. મહેન્દ્ર પાડલીયા, દુર્લભજી દેથરીયા, જીતેન્દ્ર સોમાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલસિંહ ડોડીયા ઉપસ્થિત રહેશે.
આ સમારોહ પૂર્વે પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમમાં આર.જે. આભા તથા જાણીતી બોલીવુડ સિંગર સુશ્રી ઐશ્વર્યા મજમુદાર વિવિધ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરશે.
આ શુભારંભ સમારોહમાં ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
આ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં જોડાવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.