મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યાત્રા પ્રવાસન ધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટનું પ્રેરક સૂચન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ૩પ ટકાથી વધુ મુખ્યત્વે ધાર્મિક હેતુસર ના યાત્રાળુઓ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ પણ જરૂરી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગાંધીનગરમાં સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠક દરમ્યાન આ સૂચનો કર્યા હતા.મુખ્યમંત્રીએ કહ્યું કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાલીતાણા, પાવાગઢ જેવા મોટા તીર્થયાત્રા ધામો જ્યાં નિયમીત રીતે ૧ હજારથી વધુની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં આઇકોનિક પ્લેસ તરીકેના ડેવલપમેન્ટ માટેનું લાંબાગાળાનું આયોજન બોર્ડ દ્વારા થવું જોઇએ.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્ય ભરપૂર છે અને પ્રવાસન સ્થળોની આસપાસ ધાર્મિક સ્થાનો-શ્રદ્ધા આસ્થા કેન્દ્રો પણ આવેલા છે ત્યારે આ ધર્મસ્થાનોની પણ વધુને વધુ સહેલાણીઓ મૂલાકાત લે તેવી યાત્રિક સુવિધા વિકસાવવી પડશે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં વધુમાં કહ્યું કે, કચ્છના સફેદ રણ ધોરડોના પ્રવાસે આવનારા ટુરિસ્ટ માતાના મઢ, નારાયણ સરોવર જેવા સ્થળોની અવશ્ય મૂલાકાત લે તે પ્રકારે આકર્ષણો ઊભા થાય. સાઇનેજીસ, રિલીજીયસ ઇર્મ્પોટન્સની વિગતો પ્રવાસીઓને ઉપલબ્ધ થવી જરૂરી છે.
વિજયભાઇ રૂપાણીએ પુરાતન સાંસ્કૃતિક વિરાસત નગરી દ્વારિકા અને ડાકોરનો ભાવિ વિકાસ વારાણસી ગંગાઘાટની પેટ્રન પર ઉચ્ચ કક્ષાનો વિકાસ થાય તે દિશામાં યાત્રાધામ વિકાસ બોર્ડને સૂચન કર્યુ હતું.આ બેઠકમાં પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માએ યાત્રાધામ વિકાસ બોર્ડની વિકાસ કામગીરીનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યુ હતું.
રાજ્યભરમાં સરકાર હસ્તકના અને ખાનગી મંદિરો-તીર્થસ્થાનો મળી ૧૪૦ જેટલા ધાર્મિક સ્થાનોમાં રૂ. ૩ કરોડ ૩૦ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા સોલાર રૂફટોપ પ્લાન્ટથી કુલ ૧૬૦પ કિ.વોટ સૌર ઊર્જા ઉત્પાદનથી વાર્ષિક ૧ કરોડ ૧પ લાખ રૂપિયાની વીજ બચત થઇ છે તેમ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કૈલાસ માનસરોવરના યાત્રિકોને સહાય સાથે સિંધુદર્શન યોજના અને વરિષ્ઠ વડિલોને રાજ્યના યાત્રાધામોની વિનામૂલ્યે યાત્રા માટેની શ્રવણ તીર્થદર્શન યોજનાની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.
તદઅનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ૩પર યાત્રિકોને કૈલાસ માનસરોવર યાત્રા માટે રૂ. ૮૦.૯૦ લાખ, સિંધુ દર્શન માટે પર૩ યાત્રિકોને રૂ. ૭૮.૪પ લાખ સહાય તેમજ ૮૯ હજાર ૪૧૦ વરિષ્ઠ વડિલોને શ્રવણતીર્થ દર્શન યોજનામાં પ કરોડ ર૯ લાખ રૂપિયાના ખર્ચે તીર્થધામોની યાત્રા રાજ્ય સરકારે વિશેષ બસ દ્વારા કરાવી છે.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં આઠ મુખ્ય યાત્રાધામો અંબાજી, સોમનાથ, ડાકોર, શામળાજી, પાવાગઢ, પાલીતાણા અને ગીરનારમાં ૧૧ લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારોમાં હાઇ એન્ડ કલીનીંગમાં સમાવેશ, સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક, સિનીયર સિટીઝન માટે E-રિક્ષા, વ્હીલચેર, રેમ્પ વગેરેની સુવિધાઓ સહિતની બાબતોની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.
યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર અને રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવે સહિત યાત્રાધામ વિકાસ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.