કુદરતે તો કર્યુ હવે આપણું કામ શરૂ થાય છે: બનાસકાંઠાને પુન:ધબકતું કરવા સરકાર કોઇ કચાશ નહીં રાખે: વિજયભાઇ
બનાસકાંઠામાં ભારે વરસાદે તબાહી મચાવતા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. તેમજ પશુઓ અને માનવ જાનહાનીનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ પાંચ દિવસ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો વચ્ચે રહેવાના છે. પાંચ દિવસ સુધી ગુજરાતની સરકાર બનાસકાંઠાથી ચાલશે. જ્યારે ઉત્તર ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો બેંગ્લોર રિસોર્ટમાં જલસા કરી રહ્યા છે.
વિજય રૂપાણી રવિવારે બનાસકાંઠાના ધાનેરા પછી સૌથી અસરગ્રસ્ત વિસ્તાર કાંકરેજના ખારિયા ગામમાં એનડીઆરએફની ટીમ અને આર્મી સાથે બોટમાં બેસીને પહોંચ્યા હતા અને મૃતકોના તેમજ અસરગ્રસ્તોના પરિવારોને મળી કીટ વિતરણ કરી સાંત્વના આપી હતી તેમજ સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.
અસરગ્રસ્તોએ પણ પોતાના ખેતરો નદીમાં ફેરવાયા તેમજ ઘરવખરી તણાઇ જતા અને રહેવા માટે મકાન પણ ન રહ્યા હોવાની રજૂઆત કરી હતી. ખારિયામાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પુર્વવત પરિસ્થિતિ કરવા ખર્ચમાં કોઇ કચાશ રખાશે નહીં. સીએમ સાથે થરાદમાં કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરોગ્યમંત્રી શંકર ચૌધરી, કેશાજી ચૌહાણ, ધારાસભ્ય પરબતભાઇ પટેલ સહિત અધિકારીઓનો કાફલો રહ્યો હતો. નાગલા ગામની મુલાકાત દરમિયાન દૂરબીનથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૨ હેલિકોપ્ટર, રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા ૩૦ હજાર કરતા વધુ અસરગ્રસ્તોને બચાવાયા છે. ધાનેરામાં સીએમ માર્કેટયાર્ડમાં મુલાકાતે પહોચ્યા ત્યારે રેલ નદી પરનો વર્ષો જૂનો કોઝવે તોડવા તેમજ તાલુકાના વેપારીઓ અને ખેડૂતોએ વળતર આપવા રજૂઆતો કરતા તેમને મદદની સીએમએ ખાતરી આપી હતી. ગત વર્ષે આનંદીબહેન સીએમ હતા ત્યારે તેમને ખેડૂતોને સહાય આપી હતી પરંતુ વિજય રૂપાણી દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન કરાતા ખેડૂતો અને વેપારીઓમાં કચવાટ અને ગણગણાટ જોવા મળતો હતો. આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ૩૨ મૃતકોના વારસદારોને પ્રત્યેકને રૂ.૬ લાખ પ્રમાણે રૂ.૧.૯૨ કરોડની સહાય ચેક દ્વારા ચુકવવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી થરાદ તાલુકાના અસરગ્રસ્ત નાગલા ગામની મુલાકાતે પહોંચતા તેમણે અસરગ્રસ્તોની વેદના સાંભળી આશ્વાસન આપતા કહ્યું હતું કે કુદરતે તો કર્યુ હવે આપણું કામ શરૂ કરવાનું છે તેમ કહી અસરગ્રસ્તોની સાથે સરકાર છે અને ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી ફરીથી બનાસકાંઠાને બેઠું કરાશે. રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાંકરેજના ખારિયા ગામમાં મૃતકોના પરિવારોને મળીં સાંત્વના આપી હતી.