મોદી અને અમિત શાહ માટે દિલ્હીની ચૂંટણી એ પ્રતિષ્ઠાનો સવાલ છે. હાલમાં અમિત શાહ જાતે જ દિલ્હીની ચૂંટણી જોઈ રહ્યાં છે. દેશમાં ભાજપની સરકાર છે પણ દિલ્હીમાં ભાજપને સફળતા મળતી નથી. ભાજપ કોઈ પણ ભોગે કેજરીવાલ સરકારને સત્તામાંથી દૂર કરવા માગે છે. વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે મંગળવારે કેજરીવાલે ગોકુલપુરીમાં રોડ શો કર્યો હતો.
ભાજપે ૧૧ મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના તમામ નેતાઓને દિલ્હીમાં બોલાવી લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી પ્રવાસ અર્થે દિલ્હી જવા રવાના થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિલ્હીમાં દ્વારકા વિધાનસભા ઉમેદવાર પ્રધુમન રાજપૂતના સમર્થનમાં અને ઉત્તમનગર વિધાનસભા ઉમેદવાર કૃષ્ણ ગેહલોતના સમર્થનમાં સભા સંબોધશે.
ગુજરાત કોંગ્રેસના ૧૪ ધારસભ્યો અને ૧૬ પદાધિકારીઓ મલી ૩૦ આગેવાનો હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. સોમવારે સાંજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે રાજીવ સાતવે એક બેઠક કરી હતી. અને કયા આગેવાનને કઈ કઈ બેઠકો પર શું કામગીરી કરવાની છે તેને લઇને આ મીટિંગ થઈ હતી.
આ જ પ્રકારે ભાજપના આગેવાનો પણ દિલ્હી પહોંચ્યા છે. ચૂંટણી દિલ્હીમાં છે પણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં દાયકાઓ જૂનો વનવાસ પૂરો કરવા માગે છે. અમિત શાહે ૨૦૦ જેટલા સાંસદો, ૭ મંત્રીઓને દિલ્હીની ગલીઓ ખૂંદવા માટે આદેશ કર્યો છે. અમિત શાહે તમામ તાકાત દિલ્હી જીતવા લગાવી છે. કેજરીવાલ માટે પણ આ છેલ્લો ચાન્સ છે. મોદી અને શાહની તમામ તાકાત છતાં જો દિલ્હીમાં કેજરીવાલે સત્તા મેળવી તો કેજરીવાલનું કદ રાષ્ટ્રીય નેતાગીરીમાં વધી જશે. કેજરીવાલ અને આપ પણ કોઈ પણ સંજોગોમાં સત્તામાં રિટર્ન થવા માટે એડીચૌટીનું જોર લગાવી રહી છે.