મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે અષાઢી બીજનાં પવિત્ર તહેવાર નિમિત્તે પ્રસિધ્ધ તિર્થધામ સત્તાધારમાં આપાગીગાની સમાધી સ્થળનાં ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
વરસાદી અમીછાંટણા સાથે આંબાજળ નદીનાં કાંઠે સત્તાધારનાં સાનિધ્યે બિલેશ્વર મહાદેવ મંદીરે જલાભીષેક કરી સર્વ લોકોના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સૌના આસ્થાકેન્દ્ર ભુતડાદાદા આસ્થાપૂર્વક દર્શન કર્યા હતા.
સત્તાધારમાં સમાધી દર્શનબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સત્તાધાર જગ્યાનાં મહંતશ્રી જીવરાજ બાપુનાં આર્શિવાદ મેળવ્યા હતા. અહીં મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી,માળા પહેરાવી સ્વાગત કરાયું હતું. ચાંપરડા જગયાનાં મહંત મુક્તનંદબાપુ અને આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્રબાપુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
પરબધામાંથી મોટરમાર્ગે સત્તાધારમાં આવી પહોંચેલા મુખ્યમંત્રીનું સત્તાધાર જગ્યાનાં લઘુમહંત વિજયબાપુ,સેવકગણ અધિકારીઓ-પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની સત્તાધાર મુલાકાત પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ઉપપ્રમુખ દિપક ડોબરીયા, હિરેન સોલંકી, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિનાં ઉપાધ્યક્ષ જ્યોતિબેન વાછાણી, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ,શ્રી કનુભાઇ ભાલાળા સાથે રહ્યા હતા.
સંત સુરાની પવિત્ર ભુમિ સૈારાષ્ટ્રનાં પ્રસિધ્ધ ર્તિથસ્થાન સત્તાધારમાં ે અષાઢી બિજનાં પવિત્ર તહેવારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. અષાઢી બીજનાં આ પવિત્ર તહેવારમાં અહીં ૨ લાખથી વધુ લોકોએ આપાગીગીની સમાધી સ્થળનાં દર્શન કરી પ્રસાદ લીધો હતો.
વરસાદી અમીંછાટણા વચ્ચે સત્તાધાર જગ્યાનાં મહંત જીવરાજ બાપુની નિશ્રામાં લઘુમહંત વિજયબાપુ સતત ખડે પગે રહી સ્વયંસેવકોને સાથે રાખી ભાવિક જનો માટે દર્શન-પ્રસાદની વ્યવસ્થામાં માર્ગદર્શન આપતા હતા.
આંબાજળ નદી અને ડેમનાં કાંઠે આવેલ સત્તાધારની પવિત્ર ભુમિમાં આજે ભાવિક જનોએ ગાયનાં ૨૦૦ મણ દૂધ માંથી તૈયાર થયેલ ખીર ૪ ટ્રક શાકભાજી અને અને રોટલા રોટલી સહિતનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. સૈારાષ્ટ્રમાં અષાઢી બીજનાં પવિત્ર તહેવારનું અનેરૂ મહત્વ હોય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આપાગીગાની સમાધી સ્થળનાં ભાવપૂર્વક દર્શન કરી મહંત જીવરાજ બાપુનાં આશીર્વાદ મેળવ્યા હતા.
લઘુમહંત વિજયબાપુ નાં જણાવ્યા મુજબ અહીં વહેલી સવારે ૪ વાગ્યાથી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી અને જરૂરીયાત મુજબ ૨૪ કલાક અન્નાક્ષેત્ર ધમધમે છે. અષાઢી બીજ દિવાળી જેવા તહેવારોમાં ૬૦૦ ઉપરાંત સ્વયંસેવકો ૨૪ કલાક સેવાઓ આપે છે. તેમની આ સેવા અનન્ય છે.
પ્રસાદ માટે એક સાથે ૫ ટન દાળ તૈયાર કરી શકાય તેવા મોટા બકળીયા છે. પ્રસાદ ઘરમાં બકળીયાની હેરફેર માટે ખાસ ક્રેઇનની વ્યવસ્થા છે. અહી તહેવારો ઉપરાંત વેકેશનામાં કે.જી. થી પી.જી. સધુીનાં દરરોજ ૨૫ થી ૩૦ હજાર વિદ્યાર્થીઓ દર્શન કરી પ્રસાદ લે છે.
સૈારાષ્ટ્રની ગીરગાય પ્રસિધ્ધ છે. સત્તાધારની ગૈાશાળામાં એક હજાર થી વધુ ગાય છે. તેમનાં માટે શ્રધ્ધાળુઓ તરફથી સતત ઘાસચારો મળી રહે છે. ઉપરાંત સત્તાધારની જગ્યાની જમીનમાં પણ ચારાનું વાવેતર આ ગાયો માટે કરવામાં આવે છે.
જ્યાં ટુકડો ત્યા પ્રભુ ઢુકડો એવા સનાતન સત્ય સાથે આપાગીગામાં શ્રધ્ધા ધરાવતા લોકો અવિરત અહીં સેવા આપે છે. જેમને જેવું કામ આવડતુ હોય ખેતી, રસોઇઘર, સ્વચ્છતા સહિતની સેવા ટહેલનાં સ્વરૂવપે આપે છે. સમગ્ર સૈારાષ્ટ્રમાંથી સેવા આપવા લોકો સતત સત્તાધાર માં આવે છે.