કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે ભાવિકોને કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા તાકીદ
અષાઢી બીજના પાવન દિવસે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા યોજી શકાય નથી. દરમિયાન આવતીકાલે યોજાનારી અષાઢી બીજની રથયાત્રામાં રાજયમાં તમામ શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સર્વ ગ્ર્રાહી સમીક્ષા કરી હતી. હાલ તેઓ કોરોના સંક્રમિત હોવા છતાં રાજયની સતત ચિંતા કરી રહ્યા છે. તેઓએ વીડીયો કોન્ફરન્સના માઘ્યમથી રથયાત્રા સંદર્ભે સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે અમદાવાદમાં યોજાનારી 14પ મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં યોજાનારી રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસતંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યના 4 મહાનગરોના પોલીસ કમિશનરો તથા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે આ સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તથા અધિક પોલીસ મહાનિદેશકઓ અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ પોલીસ તંત્ર અને જિલ્લા-નગરોના વહિવટી તંત્રો દ્વારા હાથ ધરવામાં આવેલા સુરક્ષા, કાયદો વ્યવસ્થાની જાળવણી, રથયાત્રામાં જોડાનારા ભાવિકોને પાણી-ભોજન-પ્રસાદની સગવડ વગેરે અંગે ઝિણવટપૂર્વક વિગતો મેળવી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે આ યાત્રા મર્યાદિતપણે યોજાઇ હતી પરંતુ આ વર્ષની રથયાત્રા જનસહયોગથી ઉમંગ-ઉત્સવના વાતાવરણમાં યોજાય અને તેમાં કોઇ જ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે સંબંધિત તંત્ર સંપૂર્ણ સતર્ક અને સચેત છે.
ગુજરાતમાં કોમી એખલાસ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પાછલા બે દશકથી આ પરંપરાગત જગન્નાથ રથયાત્રા યોજાય છે તે આ વર્ષે પણ એ જ ઉલ્લાસ-ઉમંગ સૌહાર્દથી પાર પડે તે માટે તેમણે શ્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ બેઠકમાં માર્ગદર્શન આપીને જરૂરી સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી તાજેતરમાં પડોશી રાજ્યમાં બનેલી ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં પણ કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતી જળવાઇ રહે તેની સતર્કતા માટે પણ સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, રાજ્યભરમાં લાખો નાગરિકોની શ્રદ્ધા-આસ્થા ભક્તિ આ પરંપરાગત રથયાત્રા સાથે જોડાયેલા છે અને દરવર્ષે સૌ સંવાદિતાથી યાત્રામાં સહભાગી થાય છે.
ગુજરાતની શાંત-સલામત-સુરક્ષિત રાજ્યની આ છબિને વધુ સુદ્રઢ અને સંગીન કરવા આ વર્ષની જગન્નાથ રથયાત્રા વધુ પ્રેરણારૂપ બને તે માટે પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષની રથયાત્રામાં રપ હજારથી વધુ પોલીસ અને સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાવાના છે તેની વિગતો આપી હતી.
રથયાત્રાના રૂટ ઉપર રિયલ ટાઇમ મોનિટરીંગ, ડ્રોનના ઉપયોગથી સમગ્ર રથયાત્રા પર નિગરાની જેવા ટેક્નોલોજીયુકત સુરક્ષા ઉપાયો પણ આ વર્ષની રથયાત્રામાં જોડવામાં આવ્યા છે તેની પણ મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા-આસ્થા સાથે વ્યવસ્થાના સુભગ સમન્વયથી આ વર્ષની રથયાત્રા સમગ્ર રાજ્યમાં એખલાસ-ઉલ્લાસ અને ઉમંગના વાતાવરણમાં જનસહયોગથી સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો .