ભારતમાં થતા સીધા રોકાણમાં ગુજરાતનો ૪૦ ટકા હિસ્સો: વિજયભાઇ રૂપાણી
ભગવાન અને સંતનું પૃથ્વી પર અવતાર ધરવાનું એકમાત્ર પ્રયોજન પોતાના સંબંધમાં આવનાર હરિભક્તોને પોતાના દર્શન સમાગમનું સુખ આપવું. એવા ભગવદગુણોના ધારક સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૨ દિવસથી સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને આંગણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે હરિભક્તોને પોતાના દર્શન સમાગમનો લાભ આપી રહ્યાં હતા.
તા.૨૯/૧૦/૨૦૧૯ થી ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર સુધીનારોકાણ દરમ્યાન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, રાજકોટ ખાતે ૧૨ દિવસનું ભવ્ય દીપોત્સવ પર્વ ઉજવાઈ ગયું. આ ૧૨ દિવસના મહાપર્વથી આબાલવૃદ્ધ સૌના હૈયામાં ધર્મ, ભક્તિ, સંપ, એકતા, સેવા, સમર્પણ, શિસ્ત જેવા દિવ્ય ગુણોનાં દીપ પ્રજ્જવલિત થયા. જે દીપમાળામાંઅદ્ભુત પ્રસંગો ઝળહળી ઉઠ્યા.
૧૫૦૦થી વધુ આબાલવૃદ્ધ પુરુષ-મહિલા હરીભક્તો એ તપ ઉપવાસ કર્યા. જેમાં ૧૫૦થી વધુ કલાકનાં નિર્જળ ઉપવાસ યુવકોએ કર્યા. તેમજ માળા, અને નીલકંઠવર્ણી ની પ્રદક્ષિણા કરીને ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
૧૨ દિવસ દરમ્યાન સેવા-સમર્પણની સરિતા વહી હતી.જે સેવાઓમાં સફાઈની સેવા, પાર્કિંગ ની સેવા, વાસણ સાફ કરવાની સેવા, ડેકોરેશન ની સેવા, જેવી અનેક સેવાનો પુરુષ-મહિલા હરિભક્તો એ લાભ લીધો.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં, સંતોના સંપર્ક અને પ્રેરણાથી અનેક લોકો વ્યસનમુક્ત થયા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રાર્થના કરવામાં આવી.
પરિવાર, સમાજ, રાજ્ય,દેશથી લઈને વિશ્વ સુધી સર્વત્ર શાંતિના પ્રવર્તન માટે પાયારૂપ પારિવારિક શાંતિ અભિયાનનો ભવ્ય શુભારંભ થયો. બાળકો, યુવાનોમાં આંતરિક કળા-કૌશલ્યનો વિકાસ થાય તે માટે સ્કીટ, સંવાદ, નૃત્ય, ડીબેટજેવા કાર્યક્રમો યોજાઈ ગયા. બાલિકા-યુવતી, મહિલા મંડળ દ્વારા શાક-હાટડીની સેવા, રસોઈની સેવા, મંદિરના અદ્ભુત ડેકોરેશનની સેવા કરીપ.પૂ.મહંતસ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
યુવકોમાં શિક્ષણ, સેવા અને ચારિત્ર્ય ઘડતર કરતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો. સારંગપુરમાં નિર્માણાધીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના સેવા સમર્પણના કાર્યક્રમો યોજાઈ ગયા. બી.એ.પી.એસ.ના૪૦૦ સંતોની પુનીત ઉપસ્થિતિમાં ભવ્ય કીર્તન આરાધના યોજાઈ.
પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અંતિમ દિવસે પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા.અંતિમ ચરણમાં બી.એ.પી.એસ.રાજકોટ મંદિરના સંતોએ પરમ પૂજ્ય સ્વામીને કલાત્મક વિદાય હાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી અને હરિભક્તોએ પ.પૂ. મહંતસ્વામી મહારાજની અલભ્ય સ્મૃતિઓને હૃદયસ્થ કરી ભાવભીની વિદાય આપી હતી.
હજારો હરિભક્તોની મહંતસ્વામી મહારાજને ભાવભીની વિદાય
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ૧૨ દિવસીય રોકાણ દરમ્યાન રાજકોટને આપ્યો અદ્ભુત અને દિવ્ય લાભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શનિવારે રાજકોટના પ્રવાસ દરમ્યાન કાલાવાડ રોડ સ્થિત (બી.એ.પી.એસ) અક્ષર મંદિરમાં સંસ્થા વડા પૂ મહંત સ્વામીના દર્શન કરી શુભઆશિષ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના સંતો દ્વારા કીર્તન અને આરાધના કાર્યક્રમ પ્રસંગે ધર્મસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રામ મંદિર અંગે ઘણા વર્ષોથી ચાલતા વિવાદનો સુપ્રિમ કોર્ટના અંતીમ નિર્ણય સાથે અંત આવ્યો છે. આવનારા દિવસોમાં શક્તિ સામર્થ્ય સાથે ગુજરાત વધુ વિકાસ સાધે એવા પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે છેલ્લા બે દાયકામાં ગુજરાત સમગ્ર ભારતમાં ગ્રોથ એન્જિન સાથે આગળ વધી રહ્યું છે અને હજુ વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એ દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત દેશ વિદેશના હરીભકતોને ઉદબોધનમાં ગુજરાત વિશે વાત કરતા કહયુ હતું કે, ભારતમાં થતાં સીધા વિદેશી મુડી રોકાણમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાત રાજયમાં થઇ રહયો છે.
આમ ગુજરાત મુડીરોકાણની તક પુરી પડનારૂ રાજય છે. શાંત-સૌમ્ય-ગાંધી- સરદાર અને સંતોનું ગુજરાત વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેએ દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે.
શરૂઆતમાં મુખ્યમંત્રીએ પૂજ્ય મહંત સ્વામીને પુષ્પમાળા અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા અને પૂજ્ય મહંત સ્વામી એ પણ મુખ્યમંત્રીનું ફુલહાર થી સ્વાગત કરીને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું અને નવા વર્ષ નિમિતે મહંત સ્વામીએ મુખ્યમંત્રીને મીઠુ મોઢુ કરાવ્યુ હતું તેમજ મુખ્યમંત્રીએ પુજા અર્ચન કર્યા હતા.
આ પ્રસંગે ગુરૂવર્ય ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી વગેરે અનેક સંતો મહંતો તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા ,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડો. વિજયભાઈ દેસાણી નીતિનભાઈ ભારદ્રાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, વગેરેએ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જયારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ ,અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા વગેરે મોટી સંખ્યામાં સતસંગી હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા.