કોરોના સંક્રમણના કપરા કાળમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી પરપ્રાંતિયોને વતન પહોચાડવા બદલ અભિનંદન પાઠવ્યા
દેશમાં સૌથી વધુ ૯૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ: ૧૪.૫૬ લાખ શ્રમિકો વતન પહોંચ્યા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં રાજયના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજયોના અંદાજે ૧૪ લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ચાર ડિવીઝનલ રેલવે મેનેજર (ડી.આર.એમ.) નું પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યુ હતું.
ગુજરાતના ઔઘોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજયોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર વતન રાજયમાં પહોચાડવાના રાજય સરકારના સંવેદનશીલ અભિગમમાં રેલવે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે.
સમગ્ર રાજયમાં કુલ ૯૯૯ શ્રમિક સ્પેશિયલ જેમાં યુ.પી ૫૫૮, બિહાર રર૩, ઓડિસ્સા ૯૧ સહિતના વિવિધ રાજયોમાં ટ્રેનો દ્વારા ૧૪ લાખ ૫૬ હજાર જેટલા પર પ્રાંતિય શ્રમિકો રાજય સરકારના વહિવટી તંત્ર અને રેલવે તંત્રના સુચારું સંચાલનમાં માત્ર ૧ જ મહિનાના સમયગાળામાં અને સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમોના પાલન સાથે પોતાના વતન રાજય પહોચ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉત્તમ સેવા દાયિત્વ માટે પશ્ર્વિમ રેલવેના ભાવનગર, વડોદરા, રાજકોટ અને અમદાવાદ ડીવીઝનના ડી.આર. એમ.ને પ્રશસ્તિ પત્રથી સન્માનીત કર્યા હતા.
તેમણે દિપકુમાર ઝા-અમદાવાદ, પરમેશ્ર્વર ફૂંકવાલ-રાજકોટ, પ્રતિ ગોસ્વામી-ભાવનગર અને દેવેન્દ્રકુમાર-વડોદરાને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે આ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.
શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ અને પરપ્રાંતિય શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનના સંકલન કર્તા વિપુલ મિત્રા આ અવસરે ઉ૫સ્થિત રહ્યા હતા.