મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને મનમોહકતા માણવાનું નવું સરનામું અમદાવાદીઓને ફલાવર શો થકી મળ્યું છે તેમ જણાવ્યું છે.

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઈ રહેલા ફલાવર શો ને ખુલ્લો મુકતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યા બાદ તેની ઉજવણી રૂપે અનેક કાર્યક્રમોનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે અને તે રીતે અમદાવાદમાં ઉત્સવોની હેલી સર્જાઈ છે. તેમાં ફલાવર શો એક આગવું સોપાન છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિયાળાના સ્ફૂર્તિ અને તાજગીને અનુભવ કરાવતા વાતાવરણ વચ્ચે અમદાવાદના નગરજનોને ફૂલોની સુંદરતાને માણવાનો તથા કુદરતની વધુ નજીક જવાનો અવસર આ ફલાવર શોથી મળ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ ફલાવર શોના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાતો લઈ ફુલો વિશેની જાત માહિતી મેળવી હતી. તેમણે ક્રાફટ બજારની મુલાકાત લઈ કારીગરોની કલાકારી વિશે વિશદ વિગતો પણ જાણી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩ના વર્ષથી યોજાઈ રહેલા આ અમદાવાદ ફલાવર શોની આ વર્ષની ૬ઠ્ઠી શૃંખલામાં ૧ લાખ ચોરસ મીટર વિશાળ જગ્યામાં ફલાવર શોનું આયોજન મહાનગરપાલીકાએ કર્યું છે.

ઓર્કીડ, ઈગ્લીશ ગુલાબ, કોર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફલાય કલસ્ટર, હરણ, ફલેમીંગો, કળા કરેલો મોર, મીકી માઉસ ઉપરાંત અન્ય પ્રાણીઓ, સેલ્ફી વોલ, ટ્રી બોલ વગેરે મળી કુલ ૫૦થી વધુ સ્કલ્પચર લાઈવ સ્કલ્પચર, બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ફલાવર શો રૂથીમ આધારિત લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ગ્રીન હાઉસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દેશ તથા શહેરની ખ્યાતનામ ૧૪ નર્સરીઓ દ્વારા વિવિધ જાતોનાં ફૂલ-છોડના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રો, ખાતર, બિયારણ, જંતુનાશક દવા, બાગાયતી સાધનો ઓજારોના ધંધા સાથે સંકળાયેલા કંપનીઓના ૩૨ વેચાણ કેન્દ્રો હેરિટેજ સ્થળોની ઝાંખી કરાવતો સ્ટોલ અને કુલ ૧૪ જેટલા ફુડ સ્ટોલ્સ તથા હસ્તકલા કળા કારીગીરી દ્વારા બનાવવામાં આવેલ હાથ બનાવટની ચીજોનાં ૧૨૦ સ્ટોલ્સ આ ફલાવર શો આકર્ષણ કેન્દ્ર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.