સાસણ ખાતે નિર્માણ થનાર રૂ. ૩૨ કરોડના પ્રવાસી સુવિધાના વિકાસકામોનું પણ મુખ્યમંત્રી ઇ-ખાતમુહૂર્ત કરશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢવાસીઓ માટે રૂ. ૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું તા. ૨૦ જાન્યુ. ના રોજ ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂ. ૩૨ કરોડના ખર્ચે નીર્માણ થનાર પ્રવાસી સુવિધાના વિવિધ વિકાસકામોનું પણ મુખ્યમંત્રી ઈ- ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રી જૂનાગઢ ખાતે બપોરે ૧૨.૧૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જૂનાગઢ શહેરના ૩ લાખ ૮૫ હજાર લોકો માટે નિર્માણ થનાર ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના આગામી ૩૦ વર્ષની વસ્તીને ધ્યાને રાખી બનાવવામાં આવી છે. ૨૭ માસમાં આ યોજના પૂર્ણ કરાશે. ભૂગર્ભ ગટર યોજનામાં ૩ સીવરેજ પ્લાન્ટ બનાવી પાણી શુધ્ધ કરાશે. આ યોજના પૂર્ણ થતા જૂનાગઢ શહેરની સ્વચ્છતામાં વધારો થવા સાથે લોકોની સુખાકારી વધશે. ઉપરાંત જૂનાગઢ શહરેમાંથી પસાર થતી ૩ નદી કાળવો, લોલ અને સોનરખ નદીના પાણીને દુષિત થતુ અટકાવી શકાશે.
આ ઉપરાંત સાસણ ખાતે નિર્માણ થનાર રૂ. ૩૨ કરોડના પ્રવાસી સુવિધા સહિતના વિકાસકામો નું પણ ઈ લોકાર્પણ કરશે. પ્રવાસન વિભાગ દ્રવારા ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતથી સમૃધ્ધ જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે રૂ. ૩૨ કરોના ખર્ચે પ્રવાસી સૂવિધાના વિવિધ પ્રોજેકટ હાથ ધરાશે. જેમાં એશિયાટીક લાયનના એકમાત્ર નિવાસસ્થાન સાસણ ખાતે સિંહ સદન પરિસરની કાયાપલટ કરવા સાથે મગર ઉછેર કેન્દ્રનો વિકાસ કરાશે. ઉપરાંત દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ જેની મુલાકાતે આવે છે, તે દેવળીયા સફારી પાર્કમાં એન્ટ્રી ગેઇટ, પાર્કીંગ, ૩૦ મીટર ઉંચો ટાવર, સીટીંગ એરેન્જમેન્ટ, ભાલછેલ હિલ પર સનસેટ પોઇન્ટ, એમ્ફી થિયેટર, આર્ટ વર્ક અને સેલ્ફી પોઇન્ટ સહિતના અન્ય આકર્ષણ ઉભા કરાશે. દેવળીયા પાર્કમાં બાળકો માટે વિશેષ આકર્ષણરૂપ વિવિધ સ્કલપચર અને ધાતુની આર્ટ વર્ક બનાવાશે.
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના અન્ય પદાધીકારીઓ, અધીકારીઓ સહભાગી થશે.