પવિત્ર પાવનકારી શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આજે સવારે બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન અને પુજન કરી ધન્યતા અનુભવી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે દર વર્ષની માફક આ વર્ષે પણ સોમનાથ મહાદેવ મંદિરે ઘ્વજારોહણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ગઈકાલે સાંજે સોમનાથ આવી પહોંચ્યા હતા. આજે સવારે મુખ્યમંત્રીએ ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું અને પુજન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથમાં શિવભકતોનું મહેરામણ ઉમટી પડયું હતું. મુખ્યમંત્રીએ રાજયવાસીઓની સુખાકારી માટે પણ ભોળીયાનાથને પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આજે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ઘ્વજારોહણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પરીવાર સાથે દર્શન-પુજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ખાતે મુખ્યપુજારી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીને મહાપુજા અને ઘ્વજાપુજન કરાવ્યું હતું.
દર્શન-પુજન બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારુ થયું છે તે આપણા સૌ અને ખાસ કરીને ખેડુતો માટે ખુબ સારું છે. આ તકે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.