લોધિકા તાલુકાના મોટાવડા ગામે મિશન વિદ્યા શૈક્ષણિક કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ: સાંજે પુજીત રૂપાણી ટ્રસ્ટના દિક્ષાગ્રહણ સમારોહમાં રહેશે હાજર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શુક્રવારે સાંજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓના હસ્તે શહેરના નવા રીંગ રોડ પર આકાર લઈ રહેલા અટલ સરોવરમાં ચોમાસા દરમિયાન થયેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા અને જળપુજન કરાયું હતું.
મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સ-૨માં ઘનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરાયું હતું. લોધીકા તાલુકાના મોટાવડા ગામે મિશન વિદ્યા શૈક્ષણિક પ્રોજેકટમાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. બપોરે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં અને પુજીત રૂપાણી ટ્રસ્ટના હેમુગઢવી હોલ ખાતે યોજાનારા દિક્ષાગ્રહણ સમારોહમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે.
રાજયમાં આવતીકાલથી ૬૯માં વન મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે તે પૂર્વે આજે રાજકોટ ખાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ વન વિભાગના સંયુકત ઉપક્રમે રેસકોર્સ-૨ તથા અટલ સરોવરના આસપાસના વિસ્તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કર્યું હતું. ચોમાસાની સીઝનમાં વરસાદ દરમિયાન અટલ સરોવરમાં માતબર નવા નીરની આવક થવા પામી છે.
મુખ્યમંત્રીએ અહીં નવા નીરનું પુજન પણ કર્યું હતું. આ તકે એક સભાને સંબોધતા મુખ્યમંત્રીએ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષારોપણ એક જ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું અને દરેક વ્યકિતએ જીવનમાં એક વૃક્ષનો ઉછેર કરવો જોઈએ તે વાત પર ભાર મુકયો હતો. મુખ્યમંત્રીએ લોધીકા તાલુકાના મોટાવડા ગામ ખાતે સરકારી સ્કૂલમાં યોજાયેલા મિશન વિદ્યા પ્રોજેકટમાં પણ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે.
રેસકોર્સ-૨ અને અટલ સરોવર આસપાસ વૃક્ષારોપણ અને નીરની પુજનવિધિ વેળાએ મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી ઉપરાંત જે.આર.ચીકાણી, અતુલભાઈ જુઠાણી, જયોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, મેહુલભાઈ રૂપાણી, નેહલભાઈ શુકલ, મહેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ સોઢા, ડી.વી.મહેતા, નિરજ પટેલ અને મનિષ માદેકા ઉપસ્થિત રહ્યા હતા.