બીજા વિશ્વ યુધ્ધમાં મોતને ભેટેલા યહુદીઓને-વિપરીત સ્થિતીમાં યહૂદીઓની માનવતાના નાતે મદદ કરનારા દિવંગત આત્માઓને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી
‘‘આપણી રાષ્ટ્રીયતા કે ધર્મ ભલે ગમે તે હોય, આપણે હંમેશા માનવતાના ગુણોને પોતાની જાતમાં સદાય જીવંત અને આત્માસાત રાખવા જોઇએ’’
વિજયભાઇ રૂપાણીએ મ્યુઝિયમની વિઝીટ બૂકમાં વ્યકત કરી લાગણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ડેલિગેશન સાથેના તેમના ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે ઇઝરાયેલના ઐતિહાસિક યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામુહિક નરસંહારના મૃતકો તથા વિપરીત સ્થિતીમાં પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવવામાં આવેલું ઇઝરાયલનું સત્તાવાર સ્મારક છે.
આ સ્મારકમાં હોલોકૉસ્ટ હિસ્ટ્રી મ્યુઝિયમ, હોલ ઓફ નેમ્સ, આર્ટ ગેલેરી સહિતના સ્થાપત્યોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં મોતને ભેટેલા યહુદી પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને તથા તત્કાલિન વિપરીત સ્થિતી અને ભયના ઓથાર વચ્ચે પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદરૂપ થયેલા દિવંગતોને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની લાગણીને વિઝીટ બૂકમાં શબ્દ રૂપે ઢાળતા જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો સામુહિક નરસંહાર એ વિશ્વની સૌથી ક્રૂર ઘટનાઓ પૈકીની એક હતી. આવી ઘટનાનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી દુનિયાના તમામ દેશો, સૌ ધર્મો અને સંપ્રદાયોની છે.
યહૂદી કોમે કરેલા સંઘર્ષ અને અનુભવેલી પીડાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આટઆટલી પીડા અને સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ યહૂદી કોમે જે વૃદ્ધિ અને પ્રગતિ સાધી છે તે સમગ્ર દુનિયા માટે એક મહાન દૃષ્ટાંત છે.
ઇતિહાસ આપણને શીખવે છે કે આપણી રાષ્ટ્રીયતા કે ધર્મ ભલે ગમે તે હોય, આપણે હંમેશા માનવતાના ગુણોને પોતાની જાતમાં સદાય જીવંત અને આત્માસાત રાખવા જોઇએ તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
માઉન્ટ હર્ઝલના પશ્ચિમ ઢોળાવ પર આવેલું યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમ ૧૯૫૩માં સ્થપાયું છે અને તે જેરૂસલેમની વેસ્ટર્ન વોલ પછીનું ઇઝરાયલનું સૌથી વધુ જાણીતું સ્થળ છે.
ઇઝરાયેલની સ્થાપના ઇતિહાસથી વર્તમાન અને ભવિષ્યની પેઢીને સતત પરિચિત રાખવા આ યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની સ્થાપના થઈ છે.