સૌરાષ્ટ્ર-કચ્છમાં સમુદ્રકિનારે ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપના-ક્ષમતા વર્ધન માટે
સોરેકની આધુનિક ટેકનોલોજી-અનુભવ જ્ઞાનની સહભાગીતા કરાશે:-મુખ્યમંત્રીશ્રી
ઇઝરાયેલની ટેકનોલોજીના જ્ઞાન અને સહભાગીતાથી ગુજરાતમાં ર૦પ૦ સુધી જળ સમસ્યા ન થાય તેવું કાર્યઆયોજન કરવાની નેમ છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ગુજરાત આવતા પૂર્વે ઇઝરાયેલમાં વિશ્વના સૌથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટ સોરેકની ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે નિરીક્ષણ મુલાકાત લીધી હતી.
સોરેકનો આ ડિસેલીનેશન પ્લાન્ટ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવથી ૧પ કિ.મી. દૂર ર૦૧૩થી ૪૦૦ મિલીયન યુ.એસ. ડોલરના રોકાણ સાથે કાર્યરત છે.
આ પ્લાન્ટ દૈનિક ૬૬૦ એમ.એલ.ડી. સમુદ્રના ખારા પાણીને ડિસેલીનેશન કરીને મીઠું પીવાલાયક બનાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનું નિરીક્ષણ કરતાં કહ્યું કે, ઓછા પાણી સંશાધનો અને વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે પણ ઇઝરાયેલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલીનેશન વોટરથી પાણીની જરૂરિયાતો સંતોષી છે.
તેના આ અનુભવ જ્ઞાન અને ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે ડિસેલીનેશન પ્લાન્ટની ટેકનોલોજીની સહભાગીતા વિકસાવીને ગુજરાતમાં ર૦પ૦ સુધી કોઇ જળ સમસ્યા ન ઉદભવે તેવું આયોજન કરવું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સોરેકના પદાધિકારીઓ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની જરૂરિયાત સંતોષવા દરિયા કિનારે ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના રાજ્ય સરકારના કાર્ય આયોજનમાં ટેકનીકલ જ્ઞાનનો લાભ કઇ રીતે મેળવી શકાય તે વિષયે પણ વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો.
ગુજરાતમાં જોડીયા નજીક ૧૦૦ એમ.એલ.ડી.નો ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની ગતિવિધિઓ પ્રગતિમાં છે. ઉપરાંત દહેજ સહિત કચ્છ-સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવા ૮ થી ૧૦ જેટલા -૧૦૦ એમ.એલ.ડી.ના પ્લાન્ટ સ્થાપવાના છે. તેની વિગતો પણ સોરેકના તજ્જ્ઞોને મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વિશ્વના સૌથી વિશાળ એવા સોરેકના આ ડિસેલીનેશન પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના પ્લાન્ટસમાં કરીને ક્ષમતા વર્ધન પણ કરી શકાય તેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ સોરેકના પ્લાન્ટમાં સમુદ્રના ખારા પાણીને જે રીતે પીવાયુકત મીઠું પાણી બનાવાય છે તેની સમગ્ર પ્રક્રિયાનું ઝિણવટપુર્વક નિરીક્ષણ કર્યુ હતું અને મીઠા થયેલા પાણીનો તેમણે સ્વયં ટેસ્ટ પણ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કલસ્ટરમાં પણ આવા ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપનામાં સોરેક સહભાગી થઇ શકે તે દિશામાં પણ ચર્ચા-વિમર્શ કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારત-ઇઝરાયેલી ડિસેલીનેશન ટેકનોલોજીનો વિનિયોગ કરવા ઉત્સુક છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૭માં તેમના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન આ વિષય પર ભાર મુકયો હતો.
ઇઝરાયેલના વડાપ્રધાન શ્રી બેન્જામીન નેતાન્યાહૂ એ પણ જાન્યુઆરી ર૦૧૮માં ગુજરાત મુલાકાત વેળાએ ગુજરાતને ‘જલ મોબાઇલ’ વોટર ડિસેલીનેશન વ્હીકલ બનાસકાંઠાના સરહદી અને રણ વિસ્તારો માટે ભેટ આપેલું છે.
મુખ્યમંત્રીશ્રીની સોરેક ડિસેલીનેશન પ્લાન્ટની મુલાકાત વેળાએ પાણી પુરવઠા અગ્ર સચિવ શ્રી જે. પી. ગુપ્તા અને ગુજરાત પ્રતિનિધિમંડળના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.