આગામી જાન્યુઆરી માસમાં યોજનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને ઐતિહાસીક સફળતા અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજય સરકારના મંત્રીઓ અલગ અલગ રાજયોમાં પ્રવાસ કરી રહ્યા છે. ગઈકાલે મુંબઈમાં સીએમનો રોડ શો યોજયો હતો. ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતુ.
મુંબઈમાં ભવ્ય રોડ-શો: મુકેશ અંબાણી સહિતના બિઝનેસ મેન સાથે વન ટુ વન બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુંબઈ ખાતે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ, રાજ્યના મંત્રી, ઉચ્ચ અધિકારીઓ તેમજ દેશ-વિદેશના અન્ય આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો રોડ-શો આયોજિત કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં ’વિકાસના રોલ-મોડેલ’ બનેલ ગુજરાતની વિવિધ સિદ્ધિઓ, પહેલ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરીને ગુજરાતને ’ગેટ-વે ટુ ધી ફ્યુચર’ બનાવવાના લક્ષ્ય સાથે આયોજિત આગામી વાયબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા તેમજ મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી વચ્ચે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમ્યાન બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમ્યાન ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણો અને સહયોગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી અત્યાર સુધીની તમામ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર મુકેશ અંબાણીને વાઈબ્રન્ટ સમિટની 10મી કડીમાં સહભાગી થવા નિમંત્રિત કર્યા હતા.
ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે પધારવા સી.એમ.નું આહવાન
ગુજરાતમાં યોજનારા 69માં ફિલ્મ ફેર એવોર્ડસની પૂર્વ તૈયારી માટે યોજાઇ પ્રિ-ઇવેન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મુંબઈમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, કલાકસબીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાતમાં આગામી સમયમાં આયોજિત થનાર 69મા ફિલ્મફેર એવોર્ડ્સની પૂર્વ તૈયારીઓ માટેની પ્રિ-ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ફિલ્મ જગતની હસ્તીઓને ગુજરાતની સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે, ગુજરાત હવે પ્રવાસનની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ પ્રોડક્શન માટે પણ ’પ્રિફર્ડ ડેસ્ટિનેશન’ બન્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળમાં રાજ્યમાં ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગના પ્રોત્સાહન માટે થયેલા અનેક સફળ પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ જેવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે.