શરાબ કૌભાંડ મામલે સીબીઆઈ કાલે પૂછપરછ કરશે : કેજરીવાલને જેલમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચાયું હોવાના આપના આક્ષેપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કાલે સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. શરાબ કૌભાંડ મામલે સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. ત્યારે હવે આ કૌભાંડમાં શુ કેજરીવાલની ધરપકડ થશે ? તેવા પણ પ્રશ્ન ઉદભવી રહ્યા છે.
વી એક્સાઈઝ નીતિના કેસમાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત સરકાર પર આક્ષેપ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર દારૂ કૌભાંડનો આરોપ છે કે આબકારી વિભાગના એક અમલદારે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન સીબીઆઈને નિવેદન આપ્યું હતું કે સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા. તે દરમિયાન સત્યેન્દ્ર જૈન પણ ત્યાં હાજર હતા. આ બેઠકમાં મનીષ સિસોદિયાએ તેમને મૌખિક રીતે દારૂના વેપારીઓ માટે કમિશન વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું હતું. સુત્રોનો દાવો છે કે દારૂની નીતિમાં થયેલા કૌભાંડના પૈસા આમ આદમી પાર્ટીએ ગોવાની ચૂંટણીમાં વાપર્યા હતા.
આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈની પૂછપરછમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે. આ ઉપરાંત પાર્ટીએ આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ દબાણ બનાવવા માંગે છે. સંજય સિંહે ટ્વીટ કરીને તેને અત્યાચાર ગણાવ્યો. તેમણે લખ્યું કે અત્યાચારનો અંત જરૂર થશે. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને તેમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે 16તારીખના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાયું છે. તેનાથી અરવિંદ કેજરીવાલનો અવાજ બંધ થશે નહીં. તે દેશના એક એક ઘર, ગલી મહોલ્લામાં પહોંચશે.