• રાજય સરકારે અનેકવિધ યોજનાઓ-આયોજનો અને અંદાજપત્રિય
  • જોગવાઇઓથી ખેડૂતોના બાવળામાં બળ પુરવાનો પ્રયત્ન કર્યો છે: કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ
  • નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પણ આપ્‍યું ઉપયોગી માર્ગદર્શન

રાજય સરકારે ખેતીવાડી અધિનિયમ-૨૦૦૭માં જે મહત્વની આઠ બાબતો દર્શાવી છે તે પ્રત્યે ગુજરાતનો ખેડૂત સજાગ થાય અને આ મોડેલ અધિનિયમની આઠ બાબતો ધરતી પર આચરણમાં મૂકાય તો ખેડૂતોની મોટી સેવા થશે. વડોદરાના જી.એસ.એફ.સી. પરિસરમાં યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરના બીજા દિવસે“કૃષિ ક્ષેત્રે સંભાવનાઓ” વિષયના સેશનમાં બોલતાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, રાજય સરકાર કૃષિ અને પશુપાલનના વિકાસ માટે અંદાજપત્રમાં સારી જોગવાઇઓ કરીને ખેડૂતોના બાવળામાં બળ પુરવાના પૂરતા પ્રયત્નો કરે છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા ઘણા પ્રયત્નો થાય છે અને થઇ રહ્યા છે.

IMG 3652મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, જિલ્લાઓમાં જવાબદારી સંભાળતા રાજયના અધિકારીઓ ખેડૂતોની વાજબી અને નિયમોની મર્યાદામાં આવતી રજૂઆતો-માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવે, ખેતીવાડીના કામમાં જોડાયેલા કર્મચારીઓ કિસાનોના માર્ગદર્શક બને અને એ રીતે આપણે સહુ સાથે મળીને ખેડૂતના જીવનમાં ઉન્નતિ આવે એવા સહિયારા પ્રયાસો કરીએ.

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કૃષિ વિભાગની ચર્ચાના સત્રમાં ભાગ લેતા જણાવ્યું હતું કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. એ માટે ગુજરાતે અનેકવિધ નવતર આયામો હાથ ધરવા પડશે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યું કે “ ગૌચર ” એટલે રેવન્યુ રેકર્ડ પર નકકી કરેલ જમીન જેનો અન્ય ઉપયોગ આપણે કરી શકતા નથી. પરંતુ “ ગૌચર ” ના વિકાસ માટે આપણે પ્રયાસો કર્યા છે તેના સારા પરિણામો મળ્યા છે. આગામી સમયમાં ગૌચરમાં ગુણવત્તાલક્ષી ઘાસનું ઉત્પાદન થાય તે માટે વધુ ઘાસ આપતી ઘાસની જાતના બિયારણનો હવાઇ છંટકાવ કરીએ.

2 27 તેમણે ઉમેર્યું કે પશુ દીઠ દૂધ ઉત્પાદન વધે અને એકર દીઠ પાક ઉત્પાદન વધે તે માટે ઓછી જમીનમાં વૈજ્ઞાનિક ઢબે ઓછા સમયમાં વધુ પાક મળે તે માટે નકકર પગલાં-આયોજન કરવા પડશે. સાથેસાથે કૃષિકારોને પાક અને દૂધના અને અન્ય ભાવો સમયસર મળી રહે તે માટેના પ્રયાસો અનિવાર્ય છે.

તેમણે નર્મદા યોજના પૂર્ણ થઇ છે, અને કેનાલ નેટવર્કના કામો પ્રગતિના રાહે છે ત્યારે ડેમમાં ઉપલબ્ધ પાણીનું વ્યવસ્થાપન સરળતાથી થાય અને ખેડૂતોને સમયસર પાણી મળી રહે,અને ખેડૂતોને ખેતર સુધી પહોંચાડવા માટે એકસન્ટેશન કામગીરીને પ્રાધાન્ય આપીને તે મુજબનું આયોજન કરવું પડશે. પાણીના એક-એક ટીપાંનો સદઉપયોગ થાય તે માટે ખેડૂતોને માઇક્રો ઇરીગેશન સાથે ડ્રીપ સ્પીંકલરનો વધુ ઉપયોગ કરવા પણ પ્રોત્સાહિત કરવા પડશે.

IMG 2535મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૃષિ વિષયક ચિંતનમાં ભાગ લેતાં જણાવ્યું હતું કે,એગ્રીકલ્ચર આપણું કલ્ચર છે, અને આપણું અર્થતંત્ર કૃષિ પર આધારિત છે ત્યારે ખેડૂત અને ખેતીને વધુ સલામત બનાવવાની આવશ્યકતા છે. આ માટે તેમણે બિયારણ, દવા, ખાતર અને પાણીના સપ્રમાણ ઉપયોગ પર ભાર મૂકયો હતો. રસાયણોયુકત ખાતરનો ઉપયોગ ઘટાડીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો અનુરોધ કરતાં તેમણે ખેતી ખર્ચ ઘટાડીને ખેત ઉત્પાદન વધારવા અનુરોધ કર્યો હતો.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે ખાદ્ય ચીજોના ભાવો ઉત્પાદન પર નિર્ભર છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટેના પ્રયાસો માર્કેટ દ્વારા જ થાય છે, પરંતુ ભાવ નકકી કરવાની કામગીરી આપણા હાથમાં નથી. તેમણે કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયબ્રન્ટ સમિટમાં જે પ્રયાસો હાથ ધરાય છે તે માટે પણ વિદેશમાં જઇને પાક ઉત્પાદન વધે અને યોગ્ય ભાવો મળે તે માટે સક્રિય પ્રયાસો કરીને ખેડૂતોને માર્ગદર્શન આપવું નિતાંત અનિવાર્ય બની ગયું છે.

સિંચાઇ, પાણી પુરવઠા રાજય મંત્રી શ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, પાક ઉત્પાદનના ભાવ પુરવઠા અને માંગ પર આધારિત છે. ઉદ્યોગકારો ચીજ ઉત્પાદન કરે તો તેના ભાવ તે પોતે જ નકકી કરે છે એવું જ ખેડૂતો માટે પણ હોવું જોઇએ. પાક ઉત્પાદન થયા બાદ ખેડૂત પોતે જ તેના ભાવ નકકી કરે તો જ તેને ફાયદો થશે.

 

મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘે કિસાનોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા માટે રાજય સરકારનો નિર્ધાર વ્યકત કરતાં કહ્યું કે રાજયમાં કિસાનોની આવક બમણી થાય તેમજ દૂધ ઉત્પાદન વધે અને પાક ઉત્પાદનનું માર્કેટીંગ યોગ્ય રીતે થાય તથા પોષણક્ષમ ભાવો મળે તે માટેના પ્રયાસો ઝડપથી કરાશે. તેમણે કહ્યું કે, બાગાયતી પાકો તેમજ અન્ય પાકો માટે હોર્ટીકલ્ચર ઓપરેશનના માધ્યમ દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસો કરાશે. સાથે સાથે કોન્ટ્રેક ફાર્મિંગનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં ધ્યાન કેન્દ્રિત કરાશે જેના થકી પાક ઉત્પાદનમાં વધારા સાથે સાથે ગુણવત્તાયુકત પાક તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બળવત્તર બને એવા પ્રયત્નો કરાશે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને નર્મદા જળસંપત્તિ સચિવ શ્રી એમ.એમ.ડાગુરે નર્મદા યોજનાના કામો પૂર્ણ થયા છે ત્યારે ખેડૂતોના લક્ષ્યાંકો પૂરા કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમના ટેકનીકલ સ્ટાફને એકસટેન્શન સર્વિસ સાથે જોડીને પાણી વ્યવસ્થાપનની કામગીરી કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમનું રીસ્ટ્રકચરીંગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વડોદરામાં ૯મી ચિંતન શિબિર યોજાઇ છે. આજે બીજા દિવસના ચિંતનની શરૂઆત કૃષિ ક્ષેત્રે સંભાવનાઓની ચર્ચા-વિચારણાથી થઇ હતી. બેઠકના આરંભે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજય પ્રસાદે કૃષિ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને બાગાયત તથા અન્ય સંલગ્ન બાબતોમાં ગુજરાતની સ્થિતિ સંદર્ભે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૯૬ લાખ હેકટર ખેતીલાયક જમીન ઉપલબ્ધ છે અને રાજય સરકારના પ્રયત્નો અને પ્રોત્સાહક નીતિથી છેલ્લા ૧૫ વર્ષમાં પાક ઉત્પાદનમાં ૪૬ ટકા વૃધ્ધિ થઇ છે.

શ્રી સંજય પ્રસાદે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, જયોતિ ગ્રામ યોજના, આઇ-ખેડૂત પોર્ટલ, એગ્રો બિઝનેસ પોલીસી, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ, માઇક્રો ઇરીગેશન, પાકનું વૈવિધ્યકરણ, ટીસ્યુ કલ્ચર, પશુ આરોગ્ય, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, પાક વીમા યોજના, સેન્ટર ફોર એકસલન્સ જેવા ખેડૂત વિકાસ માટે રાજય સરકારે લીધેલાં મહત્વના પગલાંઓની વિગતવાર માહિતી આપી હતી અને દરેક ક્ષેત્રે થયેલી પ્રગતિના આંકડા રજૂ કર્યા હતા. તેમણે ચિંતન માટેના મુદ્દાઓ પણ મહાનુભાવો સમક્ષ મૂકયા હતાં.

ચિંતન શિબિરના આ સેશનમાં વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડીરેકટર શ્રી આર. એમ. સોઢીએ જણાવ્યું હતું કે, પશુપાલનને પણ કૃષિની સમકક્ષ મહત્વનો દરજ્જો આપવો પડશે તો જ ખેડૂતોની આવક બમણી કરી શકાશે. વિશેષ પ્રયત્નોથી દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. શ્રી સોઢીએ નવી પેઢીને ડેરી, પશુપાલન અને કૃષિ સાથે જોડવા પ્રયત્નો કરવા પર ભાર મૂકયો હતો. કૃષિ વિષયક માર્કેટીંગ અને કૃષિ માટે આયાત-નિકાસ નીતિ વધુ સુદ્રઢ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

IMG 2566વિષય નિષ્ણાત અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ –  આઇ.આઇ.એમ.ના ગ્રામ વિકાસ ડાયરેકટર પ્રો. ડૉ. સુખપાલસિંહે જણાવ્યું હતું કે, અનેક મર્યાદાઓ વચ્ચે મહેનત કરતા ખેડૂતોને સમૃધ્ધ કરવા હશે તો ઉત્પાદન પછીના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પ્રકૃતિ પાસે જેટલું પાણી ઉપલબ્ધ છે એનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. ઉત્પાદન વધારવા કૃષિમાં મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. મોર્ડન ટેકનોલોજી વાજબી કિંમતે ઉપલબ્ધ થાય એ પણ જરૂરી છે. ખેડૂતને થતી આવકમાં ૪૮ ટકા આવક કૃષિ ઉત્પાદનમાંથી થાય છે. બાકીની આવક પશુપાલન અને અન્ય પ્રકારે થાય છે ત્યારે તેમણે ખેત બજારના વિકાસ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.

૯મી ચિંતન શિબિરમાં કૃષિ-પશુપાલન વિષયના મનન-મંથનમાં મંત્રી શ્રી રમણભાઇ પાટકર,વરિષ્ઠ અધિકારી શ્રી દિલીપ રાણા, શ્રી ડી.પી.દેસાઇ, શ્રીએચ.કે.પટેલ, શ્રીમતી અંજુ શર્મા, શ્રી સુભાષ, શ્રી એમ. કે. જાદવ, શ્રી કે. કૈલાસનાથન, શ્રી ડી.એન.પાંડે, શ્રી રાજીવ ગુપ્તા,

શ્રી પૂનમચંદ પરમાર, શ્રી બી.કે.કુમાર, શ્રી વિક્રાન્ત પાંડે, શ્રી રાજગોપાલન, શ્રી મુદિત અગ્રવાલ, શ્રી એસ.કે.લાંભા, શ્રીમતી સોનલ મિશ્રા અને શ્રીમતી ડી.થારા વગેરેએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.