- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી
શહેરો લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુગમ અર્બન મોબિલિટી ધરાવતા શહેરો બની રહ્યા છે: મુખ્યમંત્રી - ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
- ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ત્રિ-દિવસીય કોન્ફરન્સ અને પ્રદર્શનનું આયોજન, ગૃહ રાજ્ય મંત્રી – વિવિધ રાજ્યોના ડેલિગેટસ સહભાગી થયા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના શહેરી વિકાસને આયોજનબદ્ધ નવી દિશા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિઝનરી સફળ પ્રોજેક્ટથી આપી છે* અમદાવાદમાં જાહેર પરિવહન સેવામાં બી.આર.ટી.એસ.નો પ્રયોગ ગેઈમ ચેન્જર બન્યો છે
મેટ્રો સેવા લાખો લોકોની લાઈફ લાઈન બની છે
2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાના લક્ષ્યમાં ગુજરાતે ગ્રીન-ક્લીન અર્બન મોબિલીટી માટે નવતર કદમ ઉઠાવ્યા છે
મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઈ-બસ અને સી.એન.જી. બસ સેવાઓનો વ્યાપ વધાર્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટથી લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધાર્યું છે.
એટલું જ નહીં, શહેરો વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ધરાવતા અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુગમ અર્બન મોબિલિટી ધરાવતા હોય તેવો શહેરી જનજીવન સુખાકારી અભિગમ પણ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં આયોજિત 17મી ‘અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ’ના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વિવિધ રાજ્યોના શહેરી વિકાસ મંત્રાલય અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, અર્બન ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી ક્ષેત્રે કાર્યરત તજજ્ઞો, સંસ્થાઓના પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં સહભાગી થયા છે.
મુખ્યમંત્રીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશના રાજ્યોએ અર્બન મોબિલિટી સેક્ટરમાં અપનાવેલા વિકાસ મોડલ તથા અન્ય પહેલોના પરસ્પર વૈચારિક આદાન-પ્રદાન માટે આ કોન્ફરન્સ ઉપયોગી બનશે.
ભારત આજે પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, તેમાં પાછલાં 10 વર્ષોમાં થયેલા સામાજિક, આર્થિક, ઔદ્યોગિક વિકાસ સાથે શહેરીકરણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતે તો પાછલાં 23 વર્ષથી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ અને શહેરી પરિવહન-અર્બન મોબિલિટીમાં અનેક નવા પરિમાણો મેળવ્યા છે, એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વિકાસ કામો નાણાંના અભાવે ક્યારેય અટકે નહીં તે સુનિશ્ચિત કરીને નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ માટે માતબર બજેટ પણ ફાળવવા શરૂ કર્યા છે. 2001-02માં રૂ. 750 કરોડનું શહેરી વિકાસ બજેટ હતું તે આજે રૂ. 21,700 કરોડને પાર કરી ગયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આયોજનબદ્ધ શહેરી વિકાસને નવી દિશા આપતા શહેરી વિકાસ વર્ષ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિઝનરી પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે તેની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે શહેરોમાં રોજે રોજ અવર-જવર માટે પોતાના વાહનોના ઉપયોગ કરતા લોકોનું સ્ટ્રેસ, સમય અને ઇંધણ બચાવવા નરેન્દ્ર મોદીએ જાહેર પરિવહન સેવામાં બી.આર.ટી.એસ.નો નવતર અભિગમ અમદાવાદમાં અપનાવ્યો તે ગેઈમ ચેન્જર બન્યો છે.
આજે રાજ્યના અન્ય મહાનગરોમાં બી.આર.ટી.એસ. ઝડપી અને સલામત પરિવહનનું માધ્યમ બની છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ મેટ્રો સેવા પણ સલામત, સરળ યાતાયાત માટે લાખો લોકોની લાઈફલાઈન બની છે તેમ જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનએ વિકાસ કામોમાં પર્યાવરણ સુરક્ષા કેન્દ્રિ અભિગમને પ્રાથમિકતા આપી છે અને 2070 સુધીમાં દેશને નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ગુજરાતે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે અનેક કદમ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અન્વયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રિક અને સી.એન.જી. બસનો ઉપયોગ વ્યાપક બનાવ્યો છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, હવે દેશમાં પણ પી.એમ. ઈ-બસ સેવા પી.પી.પી. મોડેલ પર શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્બન મોબિલિટીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ફ્યુચરની નેમ રાખી છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારત @ 2047નો વડાપ્રધાનનો સંકલ્પ ગ્રીન-ક્લીન, સેઈફ અર્બન મોબિલિટીથી સૌ સાથે મળીને પાર પાડશે તેવો વિશ્વાસ પણ આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા દર્શાવ્યો હતો.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ અર્બન મોબિલિટી અંગેની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ અને એક્સ્પોના આયોજનથી ગુજરાત સહિત દેશભરના રાજ્યોને તેમની ‘બેસ્ટ પ્રેક્ટિસ’ શેરિંગ કરવાનો લાભ મળશે. આ કોન્ફરન્સ આવનાર સમયમાં ગુજરાત સહિત દેશના જાહેર પરિવહનને નવી દિશા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ વર્ગોના નાગરિકો માટે 1068 જેટલી CNG અને 382 EV બસ કાર્યરત કરીને જાહેર પરિવહનમાં સ્વચ્છ, ઉત્તમ અને સુરક્ષિત સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આગામી સમયમાં વધુ 1768 જેટલી CNG-EV બસો ગુજરાતની જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગુજરાતમાં પરિવહન વ્યવસ્થામાં IT, AI, ડિજિટલ ટેકનોલોજી, સ્માર્ટ કાર્ડ અને ડેટા એનાલિસીસનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને સલામત અને સુરક્ષિત પરિવહન સુવિધા આપવામાં આવી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં મેટ્રો રેલનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મેટ્રોમાં દૈનિક એક લાખ જ્યારે ગાંધીનગર મેટ્રોનો અંદાજે 30 હજાર જેટલા મુસાફરો લાભ લઈ રહ્યા છે. અમદાવાદમાં BRTS – મેટ્રો વગેરેમાં મુસાફરી કરતા મુસાફરોને એન્ડ ટુ એન્ડ કનેક્ટીવીટીની સુવિધા આપવાની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં સૌપ્રથમ ભવિષ્યમાં બુલેટ ટ્રેન ગુજરાતમાં શરૂ થવાની છે તે બદલ મંત્રી સંઘવીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા શહેરોના આધુનિકરણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો દેશ છે. દર વર્ષે લાખો લોકો ગામડામાંથી શહેરો તરફ પ્રયાણ કરે છે. જેના પરિણામે શહેરોમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. દેશની 70 ટકા જેટલો જી.ડી.પી. માત્ર શહેરી વિસ્તારમાંથી આવે છે. શહેરી વિસ્તારોમાં વધતી વસ્તીના કારણે પ્રદૂષણ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે ગ્લોબલ વોર્મિંગને ખૂબ મોટી અસર થાય છે. પ્રદૂષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ, બસ, ટ્રેન, મેટ્રો જેવી વિવિધ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
17 મી અર્બન મોબિલીટી ઈન્ડિયા કોન્ફરન્સમાં સૌને આવકારતાં ભારત સરકારના આવાસ અને શહેરી વિભાગના સચિવ કે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, શહેરી પરિવહનનો સમસ્યાના નિરાકરણોના “સ્ટાન્ડર્ડાઈઝેશન અને ઑપ્ટિમાઈઝેશન” વિષય પર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 2008 થી શરૂ થયેલી આ કોન્ફરન્સની વર્ષ 2016 બાદ ફરીથી યજમાની કરવી તે ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. શહેરી પરિવહનની સુવિધાઓને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના હેતુસર ત્રણ દિવસમાં વિવિધ સેમિનાર યોજાશે. દેશ વિદેશના અંદાજે 15000 થી વધુ પ્રતિનિધિ, કેન્દ્ર અને રાજ્યના સિનિયર અધિકારીઓ, નિષ્ણાંતો અને કંપનીઓ ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે આભારવિધિ કરી હતી.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ જયદીપ, ગુજરાત મેટ્રોના મેનેજીંગ ડાયરેકટર એસ. એસ. રાઠોર સહિત મ્યુનિસિપલ કમિશનરઓ, શહેરી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, દેશના રાજ્યોમાંથી આવેલા ડેલીગેટ્સ અને વિવિધ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.