રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: બપોરે ૪ વાગ્યાથી લોકમેળાને ખુલ્લો મુકી દેવાશે
આગામી તા.૨૨ થી ૨૬ દરમિયાન રેસકોર્સનાં મેદાનમાં લોકમેળા મલ્હારનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન તા.૨૨નાં રોજ બપોરે ૪:૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે થવાનું છે. આ વેળાએ રંગારંગ સાંસ્કૃતિક પણ યોજાવાનો છે. બપોરે ૪:૦૦ વાગ્યાથી જાહેર જનતા માટે આ મેળાને ખુલ્લો મુકવામાં આવશે.
રેસકોર્સનાં મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિતે લોકમેળો યોજાય છે જેમાં સૌરાષ્ટ્રભરની જનતા ઉત્સાહભેર જોડાઈને મેળાની મોજ માણે છે. આ વર્ષે તા.૨૨ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો મેળો યોજાનાર છે જેને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મલ્હાર નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાની હાલ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળાનું ઉદઘાટન કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સી.એમ.ઓ. ઓફિસથી આજરોજ ક્ધફોમેશન મળતાં આ મેળાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ઉદઘાટન થવાનું નકકી થઈ ગયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ બપોરે ૪:૦૦ કલાકે લોકમેળા મલ્હારનું ઉદઘાટન કરવાનાં છે. ઉદઘાટન પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે ઉદઘાટન થયા બાદ આ લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.
અંતે ઘીનાં ઠામમાં ઘી: મેળાનાં મેદાનમાં આકાર લેતી વિવિધ રાઈડસ
અમદાવાદનાં કાંકરીયામાં રાઈડસની દુર્ઘટના બનતા રાજયભરમાં રાઈડસ માટે કડક નિયમો અમલમાં લાવવામાં આવ્યા હતા. જે અન્વયે મલ્હાર લોકમેળા માટે પણ વહિવટી તંત્ર દ્વારા રાઈડસ સંચાલકો પાસેથી ઉત્પાદકનું બિલ અને ડ્રાઈવરનું પ્રમાણપત્ર લેવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ હાલ વહિવટી તંત્રએ આ બંનેની જગ્યાએ સંચાલકે કરેલું સોગંદનામું પણ વેલિડ રાખવાનો નિર્ણય લીધો છે જેનાં કારણે રાઈડસનાં વિવાદમાં ઘીનાં ઠામમાં ઘી પડી ગયું છે. હાલ રાઈડસ સંચાલકો લોકમેળાની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ૫૦ ટકાથી વધુ રાઈડસનો સામનો લોકમેળાનાં મેદાનમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.