રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતી કરાવી છે
સમાજના છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને સાચો લાભાર્થી લાભ વગર રહી ન જાય તેની ખાસ તકેદારી રાખી છે
રાજયમાં યોજાયેલા ત્રણ સેવા સેતુ કાર્યક્રમ થકી એક કરોડથી વધુ વ્યકિતઓને એક જ સ્થળેથી લાભો અપાયા
લોકોની વેદનાને વાચા આપી ગરીબોના કામો ઝડપભેર થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ
દાહોદ જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવામાં આવશે
મુખ્યમંત્રીશ્રીએ પશુ આરોગ્ય મેળામાં ખરવા મોવાસા રસીકરણનો
રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રીશ્રીના હસ્તે વ્યકિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતી કરાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમાજના છેવાડાના માનવીને કેન્દ્રસ્થાને રાખીને સાચો લાભાર્થી લાભ વગર રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની વિશેષ તકેદારી રાખી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણાયક સરકારના સંવેદનશીલ અભિગમ સમા સેવા સેતુ કાર્યક્રમના ચોથા ચરણનો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ પશુ આરોગ્ય મેળાની મુલાકાત લઇ ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીએ રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં ૨૦૦૦ જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોના હસ્તે રાજય સરકારની વ્યકિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સેવા સેતુના માધ્યમથી સરકારના વિવિધ ૧૩ વિભાગોની ૫૫ જેટલી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો એક જ સ્થળેથી નાગરિકોને આપવામાં આવે છે.
રાજયમાં યોજાયેલા છેલ્લા ત્રણ સેવા સેતુ કાર્યક્રમ થકી કોઇપણ જાતના વચેટીયા/દલાલો વગર પારદર્શી રીતે એક કરોડથી વધુ વ્યકિતઓને એક સ્થળેથી વ્યકિતલક્ષી લાભો આપવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજયમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી આગામી ત્રણ માસમાં ૧૮ હજાર ગામડાઓને આવરી લઇને નાગરિકોને મળવાપાત્ર વ્યકિતલક્ષી યોજનાઓના લાભો સામે ચાલીને રાજયની સરકાર આપશે જેથી લોકોને એક જ સ્થળેથી લાભો મળતા સરકારી કચેરીઓના ધકકા ખાવામાંથી મુકિત મળશે.
આ સરકાર ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો, આદિવાસીઓની સરકાર છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લોકોની વેદનાને વાચા આપી ગરીબોના કામો ઝડપભેર થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે.
માનવીની જેમ પશુઓની પણ સરકારે ચિંતા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજયભરમાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરી પશુઓમાં થતા ગંભીર રોગનું પણ નિદાન-સારવાર વિનામૂલ્યે કરવામાં આવી રહયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી થી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં વસતા આદિવાસી બાંધવોને જંગલની જમીનના હકકો આપવા સાથે પેસા એકટનો અમલ કરી વનસંપદાના અધિકારો પણ સરકારે આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોને લગ્ન પ્રસંગે રાહતદરે એસ.ટી.બસ સુવિધા, અકસ્માતમાં તાત્કાલિક સારવાર માટે સહાય, મા અમૃતમ, મા વાત્સલ્ય, ઉજ્જવલા યોજના, જનધન યોજનાની વિશદ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ હેઠળ ઘરવિહોણાઓને ઘરનું ઘર આપવામાં આવશે. દાહોદ જિલ્લામાં ૧૮ હજાર ઘરોના લક્ષ્યાંક સામે ૧૨૦૦૦ લાભાર્થીઓને આવાસો પૂરા પાડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ રાજયમાં એક લાખ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આદિવાસી વિદ્યાર્થીઓ ર્ડાકટર બને તે માટે દાહોદમાં મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા દાહોદ જિલ્લાની આકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી થઇ છે ત્યારે દાહોદ જિલ્લાના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા રાજય સરકાર સંપૂર્ણ મદદ કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કેન્દ્રિય રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે રાજય સરકારના મહત્વાકાંક્ષી સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોને ઝડપભેર વ્યકિતલક્ષી લાભો મળતાં સુશાસનની અનુભૂતિ થઇ રહી છે. દાહોદ જિલ્લામાં ત્રણ તબકકામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં બે લાખ લોકોને લાભ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દાહોદમાં મેડીકલ કોલેજ, સિંચાઇ સુવિધા, માનગઢની ઐતિહાસિક ધરતી પર કોમ્યુનીટી હોલ, જિલ્લાના ૨૮૫ ગામોમાં પીવાના પાણીની સુવિધા, લીમખેડામાં નવી બસ સ્ટેન્ડ માટે જમીની ફાળવણી તેમજ સીંગવડને નવો તાલુકા બનાવવા બદલ રાજય સરકારને શ્રી ભાભોરે અભિનંદન આપ્યા હતા.
ભારત સરકાર દ્વારા દાહોદ જિલ્લાની આકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી થતાં જિલ્લાનો સર્વાંગી વિકાસ થતાં પ્રજાજનોની જનસુખાકારીમાં વધારો થશે તેમ શ્રી ભાભોરે ઉમેર્યું હતું.
પ્રારંભમાં કલેકટરશ્રી વિજય ખરાડીએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે ઢઢેલા ગામે ૧૧ ગામો માટે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં ૨૦૦૦ લોકોને લાભ મળ્યો છે. અંતમાં પ્રાન્ત અધિકારીશ્રી વસાવાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી યોગેશભાઇ પારગી, અગ્રણીશ્રી અમિતભાઇ ઠાકર, ધારાસભ્યો સર્વશ્રી રમેશ કટારા, શૈલેષભાઇ ભાભોર, અગ્રણીશ્રી શંકરભાઇ અમલીયાર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશ ભૂરિયા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.પટેલ, અધિકારીઓ, સરપંચો, લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.