ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા આયોજીત પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહમાં હાજરી આપતા વિજયભાઈ રૂપાણી: સાંજે રાજકોટમાં અલગ-અલગ ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગોંડલ અને રાજકોટની મુલાકાત પર છે. સવારે તેઓએ ગોંડલમાં પૂજય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહમાં  હાજરી આપી ભાગવત કથાનું શ્રવણ મનન કર્યું હતું. બપોરે તેઓ રાજકોટ ખાતે અલગ-અલગ રૂપિયા ૫૯૧.૭૩ કરોડનાં પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા આયોજીત પૂ.રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે ચાલતી ૧૦૮ પોથીની ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને કથાનું શ્રવણ કર્યું હતું. બપોરે ૪ વાગ્યે તેઓ રાજકોટ ખાતે આવશે. તેઓનાં હસ્તે અલગ-અલગ અનેક પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. રૈયા વિસ્તારમાં અટલ સરોવરમાં આવેલા નવા નીરનાં વધામણા પણ મુખ્યમંત્રી કરશે. આ ઉપરાંત રૈયા સ્માર્ટ સિટી એરીયામાં રૂા.૫૪૮ કરોડનાં રોબર્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું ખાતમુહૂર્ત, પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ને રૂા.૩.૩ કરોડનાં ખર્ચે રીનોવેશનનાં કામનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.૧૩માં રૂા.૧.૭૧ કરોડનાં ખર્ચે ડીઆઈ પાઈપલાઈન નેટવર્કનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.૧૦માં ૧૫ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, રૂા.૪.૨૧ કરોડનાં ૬ વેકયુમ રોડ સ્વીપીંગ મશીનનું લોકાર્પણ, રૂા.૨.૫૪ કરોડનાં ખર્ચે ૫૧ ટીપરવાનનું લોકાર્પણ કરશે. જયારે રાજકોટ જિલલા વહિવટી તંત્ર દ્વારા રૂા.૪.૦૧ કરોડનાં ખર્ચે મામલતદાર કચેરી પશ્ર્ચિમ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. રૂડાનાં અલગ-અલગ ૪ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં રૂા.૧.૨૩ કરોડનાં ખર્ચે ઘનકચરા વ્યવસ્થા પર અર્થે ૩ રેફયુજી કોમ્પેકટરનું લોકાર્પણ, ૮.૦૪ કરોડનાં ખર્ચે ટીપી સ્કીમ નં.૧૦નાં ૧૮ મીટર અને ૧૨ મીટરનાં રોડનું ખાતમુહૂર્ત, રૂા.૧.૯૩ કરોડનાં ખર્ચે વાવડીથી કાંગશીયાળીનાં બીટયુમીનસ રોડનું ખાતમુહૂર્ત અને રૂા.૨.૦૩ કરોડનાં ખર્ચે બનનારા હાઈલેવલ બ્રીજનું ખાતમુહૂર્ત કરશે. રાત્રે મુખ્યમંત્રી રાજકોટમાં અલગ-અલગ ૧ ડઝન જેટલા ગણેશ મહોત્સવમાં પણ હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.