વિકસીત ભારત @ 2047 સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
નાણાંમંત્રી-પાણીપુરવઠામંત્રી સહિત મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતી
સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન-ક્વોલિટીવર્ક-સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નિતીઓના અમલથી અમૃતકાળથી દેશની સતાબ્દી સુધીમાં વિકસીત ભારત @ 2047 માટે વિકસીત ગુજરાતના નિર્માણના હેતુથી દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત @ 2047ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશમાં સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પર છે. સૌ સાથે મળીને ક્વોલિટી વર્ક, સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડતર અને તેના અમલમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળથી આઝાદીની શતાબ્દી 2047 સુધી સદાય લીડ લેવાના નિર્ધાર સાથે આપણે વિકાસ રાહે આગળ વધ્યા છીએ.
મુખ્યમંત્રી રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. 2000 કરોડથી વધુના લોકાર્પણ ખાતમૂર્હત અવસરે સંબોધન કરી રહ્યા હતા.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ૧૪માં મુખ્યમંત્રી તરીકે 07 ઓક્ટોબર 2001ના શપથ લઈને ગુજરાતની વિકાસ યાત્રાને નવી દિશા આપીને જે નવા સીમાચિહ્ન સર કરાવ્યા તેને 23 વર્ષ 07 ઓક્ટોબર 2024 ના પૂર્ણ થયા છે.
વડાપ્રધાનના સુશાસન નેતૃત્વની આ 23 વર્ષની સફળતાને રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ દ્વારા વિવિધ વિકાસ કામોથી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. 07 થી 15 ઓક્ટોબર સુધી યોજાનારા આ વિકાસ સપ્તાહ અંતર્ગત તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં પાણી પુરવઠા, ઊર્જા, શહેરી વિકાસ, માર્ગ મકાન, જળ સંસાધન અને ગૃહ વિભાગના મળીને 16 કામોના લોકાર્પણ તથા 14 કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે ઉમેર્યું કે, ગુજરાતની અલગ રાજ્ય તરીકે 1960 માં સ્થાપના થઈ ત્યારથી લઈને 2001 સુધીનો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2001 થી 2024 સુધીનો વર્તમાન વિકાસ જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવે કે વિઝનરી નેતૃત્વ, રાજકીય ઈચ્છાશક્તિ અને નાનામાં નાના માનવીને કેન્દ્રમાં રાખી સૌના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાથી કેટલી સ્પીડ અને કેટલા સ્કેલનો વિકાસ થઈ શકે.
તેમણે કહ્યું કે, પડકારોને તકમાં પલટાવવાની કાર્ય સંસ્કૃતિ અને સંસ્કાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા સૌમાં કેળવ્યા છે. ગુજરાત આજે રિન્યુએબલ એનર્જીનું હબ બન્યું છે અને સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સાકાર થઈ રહ્યો છે એટલું જ નહીં, સોલાર એનર્જીને પરીણામે વીજળી પણ સરળતાએ અને સસ્તી મળે છે.
ભૂપેન્દ્ર પટેલ એમ પણ જણાવ્યું કે, પાણી, વીજળી, રોડરસ્તા જેવી પાયાની સુવિધાઓ છેક છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું આયોજન નાણાંકીય વ્યવસ્થાપનથી સાકાર થયું છે.
નદીઓને વિકાસ સાથે જોડીને રિવરફ્રન્ટની તેમની સંકલ્પનાને હવે રાજ્યના નગરો પણ પોતાના નગરોમાં રિવરફ્રન્ટ દ્વારા સાકાર કરવા આગળ આવી રહ્યા છે તેની પણ મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ડિઝીટલ સ્માર્ટ ક્લાસ રૂમ, કન્યાકેળવણી અભિયાનથી દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં સતત ઘટાડો તથા સ્વાગત ઓનલાઇનના ટેકનોલોજી યુક્ત અભિગમથી લોક પ્રશ્નોનું સત્વરે નિવારણ જેવા જનહિત કાર્યોમાં નરેન્દ્ર મોદીના દિશાદર્શનથી સફળતાના કીર્તિમાન અંકિત થયાં છે.
તેમણે ઉમેર્યું કે, આ બધી જ સફળતાના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સાથે રાખીને વિકાસની આપેલી સફળ દિશા અને જનતાજનર્દનમાં મુકેલો વિશ્વાસ છે.
આપણે આજ વિશ્વાસને પરિપૂર્ણ કરીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત બનાવવું છે. આ માટે દર વર્ષે વિકાસ સપ્તાહના આયોજનથી સર્વગ્રાહી વિકાસના નવા સીમાચીહ્નો સર કરવા છે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીકનુ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવા માટે નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ, નર્મદા યોજના, કન્યા કેળવણી મહોત્સવ, સ્વતંત્ર કલાઈમેટ ચેન્જ વિભાગ જેવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરીને ગુજરાતની વિકાસ યાત્રાને વણથંભી બનાવી છે.
ઊર્જા મંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૯માં ગુજરાતની પ્રથમ સોલાર પોલિસી બનાવી, પરિણામે આજે ગુજરાત સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાતના ગામે ગામ સુધી ૨૪ કલાક – થ્રી ફેઝ વીજળી પૂરી પાડવા માટે નરેન્દ્ર મોદીએ વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીનું વિભાજન કર્યું અને જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકીને રાજ્યના નાગરિકોની વીજ જરૂરિયાત સંતોષી છે. એક સમયે જ્યારે ગુજરાતમાં સબ સ્ટેશનની કુલ સંખ્યા માત્ર ૭૦૪ હતી, જે આજે વધીને 2,377 સુધી પહોંચી છે.
વડાપ્રધાનના માર્ગદર્શનથી આજે ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી વીજ કનેક્શન માત્ર ચાર મહિનામાં મળતા થયા છે. આજે ગુજરાતના 90 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. બાકીના 10 ટકા ગામોમાં પણ ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. આજે ગુજરાત માથાદીઠ વીજ વપરાશ, વીજ ઉત્પાદન, રિન્યુએબલ એનર્જી, સોલાર રૂફટોપ જેવા અનેક ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ગુજરાતનું બજેટ પણ એક સમયે જે રૂ. 37,000 કરોડ હતું, જે આજે વધીને રૂ. 3.32 લાખ કરોડ થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દેશના 140 કરોડ નાગરિકોના જીવનને ઉત્તમ બનાવવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના અને સરદાર સરોવર ડેમ થકી પાણી અને વીજળી જેવા ગુજરાતના પ્રાણપ્રશ્નોને હલ કર્યા હતા. તેમણે ઉત્તર ગુજરાતના દરેક ગામને નર્મદાનું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ્ યોજના તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છને પૂરતું પાણી મળી રહે તે માટે સૌની યોજના અમલમાં મૂકી તેના પરિણામે આજે ગુજરાતના ખૂણે ખૂણે નલ સે જલ થકી પીવાલાયક અને ખેતીલાયક પાણી મળી રહ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રે કરેલા વિકાસને રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, વિવિધ મહાનગરપાલિકાના મેયરઓ, નગરપાલિકાના પ્રમુખઓ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.