રાજપીપલા, શનિવાર: જળ અભિયાન એ ગુજરાતની અતૃપ્ત ધરાને જળસમૃદ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તળાવોને ઊંડા ઉતારવાનું અભિયાન ઈશ્વરીય કાર્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. આજે ભૂતકાળ બની ચૂકેલી કલકલ વહેતી ૩૨ નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનો એક પ્રયાસ છે એમ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચીકદા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં જોડાયેલા મુખ્યમંત્રીશ્રીએ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો પ્રસાદ તરીકે જ ઉપયોગ કરી ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે પાણીના એક એક બુંદને એકત્રિત કરી સાગર બનાવવાનું આહવાન કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ નાગરિકે કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોડાઈને જળ અભિયાનને જનઅભિયાનમાં રૂપાંતરિત કર્યું છે, ત્યારે બહોળું લોકસમર્થન જ આ અભિયાનની સફળતા હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.
મેનપાવર, મશીનરી પાવર અને મની પાવરના ત્રિવેણી સંગમથી જળ અભિયાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને સાર્થક કરે છે એમ જણાવી ઠેરઠેર જનભાગીદારીથી તળાવો ઊંડા ઉતારવાના કાર્યમાં લોકોના આશીર્વાદ મળી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં વધારાની ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહક્ષમતા વધારવાનો લક્ષ્યાંક હોવાનો શ્રી રૂપાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકારની જામનગરના જોડીયામાં ખારા પાણીને મીઠા કરવાની રૂ. ૮૦૦ કરોડની મહત્વાકાંક્ષી યોજના બાદ હવે ગટરના પાણીને રિ-સાયકલ કરી ખેતી અને ઉદ્યોગોને પાણી પૂરૂ પાડવાની બહુહેતુક યોજના પર કામ ચાલી રહ્યું હોવાનું અને ટૂંક સમયમાં જ આ યોજનાને વાસ્તવિક રૂપ આપી અમલી બનાવાશે એમ તેમણે જણાવ્યું હતું.
આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી મુક્તિ આપી સમૃદ્ધ જળ વારસો આપવાની મુખ્યમંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી. જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને જળ અભિયાનના વિરોધીઓને આડે હાથે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીના સોનેરી ભવિષ્યનું નિર્માણ કરી સમૃદ્ધ જળવારસો આપવાનું અભિયાન છે. શ્રી રૂપાણીએ જળસંચય અભિયાનની સાથોસાથ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો – બેટી પઢાવો, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનને જેમ વ્યાપક જનસમર્થન મળ્યું હતું તેમ આ અભિયાનને પણ હવે સમાજના પ્રત્યેક વર્ગે પોતીકું અભિયાન બનાવી વધાવ્યું હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જળ અભિયાનની ફલશ્રુતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, ૧લી મે એ પ્રારંભ થયેલા જળ અભિયાનમાં શરૂઆતના તબક્કામાં ૧૭૦૦ ટ્રેક્ટરોથી કામ શરૂ થયું હતું, જે આજની સ્થિતિએ ૧૦,૦૦૦ થી વધુ ટ્રેક્ટરો સામેલ થયા છે. અગાઉ ૫૭૬ જે.સી.બી.ના સ્થાને આજે ૪,૧૦૦ જે.સી.બી. મશીનો તેમજ મનરેગા હેઠળ ૨૫૦૦ શ્રમિકોથી શરૂઆત કરાઈ હતી, જેમાં આજે શ્રમિકોનો આંકડો ૩ લાખ સુધી પહોંચ્યો છે.
નર્મદા જિલ્લામાં જળ સંચયના કુલ ૩૮૬ કામોમાંથી ૩૬૬ જેટલાં કામો શરૂ કરીને તે પૈકી મોટા ભાગના કામો પૂર્ણ કરવા બદલ પ્રભાવિત થઈને શ્રી રૂપાણીએ જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યાં હતા. જળ સંચય માટે તળાવો ઊંડા ઉતારવા એ જ પર્યાપ્ત નથી, પરંતુ રાજ્યનો પ્રત્યેક નાગરિક મહામૂલા જળના એક એક બુંદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સંકલ્પબદ્ધ થાય તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર દેડીયાપાડા તાલુકાનાં ચીકદા ગામ ખાતે જળ અભિયાન અંતર્ગત ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અહીં મનરેગા હેઠળના જળસંચયના શ્રમયજ્ઞમાં મુખ્યમંત્રીએ શ્રમિકોની સાથે શ્રમદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકોને છાસ અને સુખડીનું વિતરણ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે કાર્યક્રમનાં સ્થળે વૃક્ષારોપણ કરી પાણી બચાવવા સાથે પર્યાવરણ બચાવવાનો ઉમદા સંદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના નવનિર્મિત તળાવોનું ડિજિટલ લોકાર્પણ તથા સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૧૮ પરની વિડીયો ફિલ્મનું લોન્ચીંગ કર્યું હતું. ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું તા.૧ લી મે, ૧૯૬૧ ના રોજ વિભાજન થયા બાદ ગુજરાતે આજે તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા અનેકવિધ ફલેગશીપ કાર્યક્રમોને લીધે ગુજરાત આજે દેશમાં વિકાસનું મોડેલ રાજ્ય બન્યું છે.
ધરતીપુત્રો માટે હાલમાં જ ૦ ટકા વ્યાજે રૂપિયા ૩ લાખ સુધીના ધિરાણની યોજના અમલમાં મૂકી છે. આદિવાસી ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનને માર્કેટીંગ યાર્ડ સુધી લઇ જવા માટે રૂા. ૫૦૦/- ની સબસીડી ચૂકવાય છે. જેના પરિણામે તેમને ઉત્પાદનના વધુ ભાવો મળતાં થયા છે. નર્મદા જિલ્લામાં સુજલામ–સુફલામ જળ સંચય અભિયાન હેઠળ ૩૮૬ જેટલા કામો ચાલી રહ્યાં છે. અને ૯૫૦૦ જેટલા શ્રમિકો મનરેગા હેઠળ ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યાં છે, જેને લીધે ભૂતકાળમાં ભરૂચ–અંકલેશ્વર-સુરત જેવા સ્થળોએ સ્થળાંતર કરતાં શ્રમિકોની હિજરત અટકી છે.
ઈઝરાયેલ દેશમાં ઓછો વરસાદ થતો હોવા છતાં ડ્રીપ પધ્ધતિથી અનેકગણુ ખેત ઉત્પાદન તેઓ મેળવી રહ્યાં છે, ત્યારે ડ્રીપ પધ્ધતિ અપનાવવાની સાથે બહેનોને પશુપાલન વ્યવસાય દ્વારા આર્થિક રીતે મજબુત બનીને ગુજરાતના પ્રત્યેક નાગરિક, સ્વૈચ્છિક સંસ્થા,ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો વગેરેની જનભાગીદારીથી શરૂ થયેલા જળસંચય અભિયાનમાં સૌ કોઇને જોડાઇને વધુ વેગીલું બનાવી ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની મુખ્યમંત્રીશ્રીની નેમને સાકાર કરવામાં સહયોગી બનવા ખાસ અનુરોધ શ્રી પટેલે કર્યો હતો.
ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં પાણીદાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારીથી ચાલી રહેલા જળસંચય અભિયાને હવે જન અભિયનનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે ગુજરાત માટે આશિર્વાદરૂપ બની રહેશે. દેશની આઝાદી બાદ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વિશાળ પાયે હાથ ધરાયેલા જળસંચય અભિયાને દેશભરમાં અનોખુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભૂતકાળમાં રાજા –મહારાજાઓ દ્વારા તેમજ ધાર્મિક સંસ્થાઓએ પણ જળસંગ્રહ માટે વિશેષ ધ્યાન આપ્યું હતું. ભરૂચ-નર્મદા જિલ્લામાં જળ સંચય અભિયાન હેઠળ ગરીબ આદિવાસીઓને મનેરગામાંથી રોજગારી મળી રહી છે. વરસાદી પાણી પહેલા પાણી પાળ બાંધવાના આ અભિયાનને લીધે અને જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જળ સ્તર ઉંચા આવશે અને પિયતની સુવિધાઓમાં પણ સરળતા રહેશે. ગ્રામ સ્વરાજ પખવાડીયાની ઉજવણીની સફળતાનો ઉલ્લેખ કરી શ્રી મનસુખભાઇ વસાવાએ દેડીયાપાડા વિસ્તારના ખેડૂતોના હિતમાં ગંગાપુર ડેમના બાંધકામ થકી સિંચાઇનું પાણી મળી રહે તે માટેના પ્રયાસોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે શ્રી રૂપાણીની આદિવાસી પરંપરાના પ્રતિકરૂપ પાઘડી પહેરાવી અને તીરકામઠું આપી સ્વાગત કરાયું હતું. જિલ્લા કલેકટરશ્રી આર.એસ. નિનામાએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકાર્યા હતા. અને જિલ્લામાં પ્રગતિ હેઠળના તળાવો ઊંડા ઉતારવાના જળ સંચયના કાર્યોનો ચિતાર આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં મધ્યાંતરે પહોંચેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ગુજરાતના ગામેગામ તળાવ-ચેકડેમ ઉંડા કરવા, ખેત તલાવડી, વન તલાવડી, માટીપાળા બનાવવા, જળસ્રોતોના નવીનીકરણ અને નદીઓને પુનર્જીવિત કરવાની રાજ્યવ્યાપી કામગીરીનો જનભાગીદારીથી સુપેરે ચાલી રહી છે, જે અન્વયે નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી વેગ પકડીને આગળ ધપી રહ્યું છે.
આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન નિધિમાં વિવિધ કંપનીઓ અને ધાર્મિક સંસ્થાઓના દાતાઓશ્રી તરફથી રૂ. ૨૭ લાખના માતબર દાનના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયા હતા. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ એફ.આર.એ.ના મહિલા લાભાર્થીઓને સનદનું પણ વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં ચીકદા ગામ તળાવની પણી સંગ્રહની અંદાજે ૫૦ હજાર ઘનમીટર જેટલી છે, હવે આ તળાવ ઉંડુ કરવાનાં આ કામથી આશરે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર માટીનું ખોદકામ થશે અને તેને લીધે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.
નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએથી ઉપલબ્ધ જુદા જુદા ફંડનો ઉપયોગ કરીને ઉનાળા દરમિયાન પાણીની અંશતઃ તંગીવાળા વિસ્તારોમાં તથા દેડીયાપાડા અને ગરૂડેશ્વર ના ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં ૨૫ જેટલા નવા તળાવો બનાવવામાં આવ્યાં છે, જેમાં ૧૪ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરીને ૨૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવી છે. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમે આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત અન્ન આયોગના ચેરમેનશ્રી ભૂપેન્દ્રસિંહ લાખાવાલા, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રિય આદિજાતિ આયોગનાં સભ્યશ્રી હર્ષદભાઇ વસાવા, પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદર, શ્રી સતિષભાઇ પટેલ, ચીકદાના સરપંચશ્રી રેવજીભાઇ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, ધારીખેડા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com