ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ નર્સિંગ એસોસિએશનના ઉપક્રમે પ્રથમવાર અભૂતપૂર્વ સમૂહ લેમ્પ લાઈટીંગ તેમજ નર્સિંગ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, નર્સિંગનો વ્યવસાય એ સેવાનો વ્યવસાય છે. આ વ્યવસાયમાં સેવાના ભાવ સાથે કાર્ય કરી આ ક્ષેત્રની પ્રત્યેક વ્યક્તિએ આપણી “સર્વે ભવન્તુ સુખીનાની સંસ્કૃતિને સાચા અર્થમાં ચરિતાર્થ કરવી પડશે. રાજકોટ ખાતે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ નર્સિંગ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ માસ લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્સિંગ ક્ષેત્રના યુવાઓને વડાપ્રધાનના નયા ભારત ના નિર્માણ માટેના સ્વપ્નને સાકાર કરવા નર્સિંગના વ્યવસાય થકી સેવાના ભાવ સાથે સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આજે દેશ-વિદેશોમાં નર્સિંગના વ્યવસાય માટે ઉજ્જવળ તકો રહેલી છે. નર્સિંગનો અભ્યાસ કરેલી વ્યક્તિની આજે બહુ મોટી માંગ છે. એવા સમયે ગુજરાત નર્સિંગ એસોસિએશન દ્વારા આ ક્ષેત્રના વધુ ને વધુ યુવાઓને વિદેશમાં પ્લેસમેન્ટ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત યુવાઓને સમગ્ર વિશ્વમાં નર્સિંગ ક્ષેત્રે સેવારત રહેલા ફ્લોરેન્સ નાઇટિંગલને પ્રેરણા મૂર્તિ બનાવી તેમણે કંડારેલા સેવાના પથને નર્સિંગના વ્યવસાય થકી ઉજાગર કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે રાજ્ય સરકારે છ હજારથી વધુ નર્સની ભરતી કરી સેવાની જ્યોતને પ્રજ્વલિત બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલા ગુજરાતમાં વિવિધ યુનિવર્સીટીઓની સ્થાપના થકી શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતે સિમાચિન્હરૂપ દાખલો બેસાડયો છે, ત્યારે નર્સીંગ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહે તેવી નેમ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના ચેરમેન ટી. દિલીપકુમારે ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓને સમૂહ સપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અનેક નર્સિંગ કોલેજના છાત્રો એકસાથે દિક્ષા ગ્રહણ કરી રહયાં હોય તે પ્રકારની આ ઘટના સમગ્ર ભારતમાં પ્રથમવાર ગુજરાતમાં બની છે. આ ઘટનાની ખાસ નોંધ જીનીવા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વડી કચેરી ખાતે પણ લેવામાં આવશે. સમગ્ર ભારતમાં નર્સિંગના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતુ કે, નર્સિંગના છાત્રો મેડિકલ ક્ષેત્રે થતા આવિષ્કારો અને હેલ્થકેરની માહિતીનું આદાનપ્રદાન કરી શકશે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞાબેન ડાભીએ પ્રાસંગીક પ્રવચનમાં ફ્લોરેન્સ નાઇટિંગલે જે રીતે સમગ્ર વિશ્વને નર્સિંગ વ્યવસાય સેવા અને માનવતાના ગુણો ઉજાગર કરતો રાહ ચીંધ્યો છે તે વાતનો ઉલ્લેખ કરતા ગુજરાતની કોલેજોમાંથી બહાર આવતા છાત્રો દર્દીઓની ખુબ સારી રીતે સાર સંભાળ રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા ઓલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ડો. મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, એસોસિએશનની ૧૨કોલેજ દ્વારા દરેક કોલેજ દીઠ ૧૦૦પરિવાર એટલે કે ૧૨૦૦જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યની જરૂરી સેવા નિ:શુલ્ક પુરી પડાશે.
આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટિંગલની ૨૦૦મી જન્મ જ્યંતી નિમિતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષને “ઇન્ટરનેશનલ યર ઓફ ઘી નર્સ એન્ડ ઘી મિડવાઈફ – ૨૦૨૦ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને રાજકોટ ખાતે ગુજરાત સેલ્ફ ફાયનાન્સ નર્સિંગ એસોસિએશનના સહયોગથી રાજકોટ તેમજ જામનગર જિલ્લાની નર્સિંગ કોલેજની ૩૩૦૦થી વધુ છાત્રાઓનો શપથ ગ્રહણ તેમજ લાઈટ લેંપિંગ કાર્યક્રમ યોજાયો હતો.આ તકે મુખ્યમંત્રી તેમજ મહાનુભાઓના હસ્તે વિદ્યાર્થીઓને નમો ઈ ટેબ્લેટનું વિતરણ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, લાઈટ લેંપિંગ એ એક પરંપરા છે, આ ક્ષેત્રે પદાર્પણ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ દીપ પ્રગટાવી ફ્લોરેન્સ નાઈટિંગલને ભાવાંજલિ પાઠવે છે અને જીવનમાં તેમની જેમ દર્દીઓની સેવા કરી તેમના જીવનમાં નવો ઉજાસ પાથરવાના શપથ ગ્રહણ કરે છે. જે અન્વયે ઉપસ્થિત મહાનુભાવોએ હાથમાં મીણબત્તી પ્રગટાવી તે જ્યોતમાંથી છાત્રો દ્વારા દીપ પ્રગટાવી સમગ્ર સંકુલ જ્યોતિમય બની ઝળહળી ઉઠ્યુ હતુ. કાર્યક્રમના અંતમાં ઓલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિશોરસિંહ સોઢાએ આભારવિધિ કરી હતી.