પાદુકા પુજન કરી ગુજરાત પર સતત અસીમ કૃપા રાખવા દ્વારકાધીશને કરી પ્રાર્થના
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજ્ય પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી.તેમજ મુખ્યમંત્રી એ પાદુકા પૂજન પણ કર્યું હતું
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, તોરણીયા મહંત રાજેન્દ્રદાસ બાપુ, કલેકટર એમ. એ.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા સંગઠનના પદાધિકારી ઓ તથા અધિકારીઓ સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિને નવી ઊંચાઈ મળી છે. તેમના પ્રયાસોથી દેશની પ્રાચીન આઘ્યાત્મિકતાની ચેતના પ્રગટી છે. ભારતીય સંસ્કૃતિના બેજોડ ગ્રંથ એવા વેદોના જ્ઞાનામૃતથી સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.
વેદોને વિશ્વના વિદ્વાનો પણ સારી રીતે સમજ્યા છે અને એટલે સમગ્ર દુનિયા ભારત સામે જુએ છે. 21 મી સદીમાં સમગ્ર રાષ્ટ્રના ઉત્થાન માટે જનશક્તિ સાથે આઘ્યાત્મિક ચેતના જોડી તેને વધુ પ્રજ્જવલિત કરી છે. તેમાં વડોદરામાં યોજાઇ રહેલું ચતુર્વેદ મહા સંમેલન ઉદ્દીપકનું કાર્ય કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સહયોગથી યોજાયેલ અખિલ ભારતીય ચતુર્વેદ મહા સંમેલનનો દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવા દાયિત્વ સાંભળ્યું છે ત્યારથી દેશભરમાં સાંસ્કૃતિક લહેર ઊઠી છે. તેમના કુશાગ્ર નેતૃત્વમાં સનાતન સંસ્કૃતિનું નવજાગરણ થઈ રહ્યું છે. સર્વના કલ્યાણની ભાવના ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે.
આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને જનસેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પ્રતિબદ્ધતા તેમણે અંતે વ્યક્ત કરી હતી.
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે,વેદ ભારતીય સંસ્કૃતિના પોષક છે. વેદને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. વેદ શાસ્ત્ર બ્રહ્માંડને જાણવાનો માર્ગ છે એટલે વેદ સ્વતંત્ર પ્રમાણ છે.
કૃષ્ણકાંત પુરાણીએ જણાવ્યું કે વેદ માત્ર જ્ઞાનનો નહિ પરંતુ વિજ્ઞાનનો પણ ભંડાર છે. તેમણે ચાર વેદોની મહત્તા સમજાવી હતી.