- વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 13, શુક્રવારે પીપળીયા ભવન, સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે. મુખ્યમંત્રીના આગમનથી વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોમાં અત્યંત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, આ મુલાકાત માનવીય સંવેદનાઓનો એક અનોખો ઉદાહરણ બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આ પગલું એ રાજ્યના નાગરિકોની જાળવણી અને આદર દર્શાવે છે. સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો માટે મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બની રહેશે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ મુલાકાતમાં વૃદ્ધાશ્રમની સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ પણ કરશે.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 200 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમમાં પોતાની ફરજનાં ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિ:સંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાઈ હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ હતી. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થયું છે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.