- ડબલ એન્જિનની સરકારના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે: મુખ્યમંત્રી
- ગુજરાતમાં દરેક ગામમાં પાકા રસ્તા, પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તરણેતર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં 1500થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 400થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી. મેળા આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરતા હોવાથી સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ તરણેતરના મેળાસ્થળે પણ તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓયુક્ત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેળાની સમૃદ્ધ પરંપરા જાળવી રાખવા માટે યુવાનો મેળાઓ સાથે વધુ ને વધુ પ્રમાણમાં જોડાય તેવા વિઝનરી વિચાર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2004માં ગ્રામીણ ઓલિમ્પિકની શરૂઆત કરાવી હતી. જેના કારણે યુવાનોને ગ્રામ્ય સ્તરે ખેલ પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને પરંપરાગત રમતો માટે મેળાનું વિશાળ મંચ તેમને ઉપલબ્ધ થાય છે. તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતો ઉપરાંત દોડ, વોલીબોલ, કૂદ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોના આયોજનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે આખી દુનિયામાં જો ગ્રામ્ય સ્તરે ક્યાંય વૈશ્વિક કક્ષાનો મેળો યોજાતો હોય તો તે તરણેતર છે. આઆ વિશ્વપ્રસિદ્ધ મેળાના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને અભિનંદન પાઠવ્યા હતા.
છેવાડાનો દરેક માણસ મૂળભૂત સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા સરકાર સતત કાર્યરત છે જણાવતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, શિક્ષણ, ઊર્જા એમ બધા ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. પહેલાના સમયમાં રાજ્યમાં રસ્તા, પાણી, વીજળીની ખૂબ તકલીફ હતી પણ નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દૂરંદેશીભર્યા આયોજનના પરિણામે આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જ્યારે દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે ત્યારે હવે આપણું લક્ષ્ય તેને ગુજરાતને વધુ ઝડપથી વધુ ઊંચાઈ સુધી લઈ જવાનો છે. ઋષિ પાંચમના પવિત્ર દિવસે ભગવાન ત્રિનેત્રેશ્વરના પૂજન-અર્ચનનો લાભ મળ્યો હોવાનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરતું રહે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી.
તરણેતરના મેળાને સરકાર દ્વારા પ્રોત્સાહન: કેન્દ્રીય મંત્રી મુંજપરા
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચાલુ થયેલા ’હર ઘર તિરંગા’ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈ પોતાના ઘર-મકાનો, દુકાનો વગેરે પર તિરંગો લહેરાવી વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા દેશપ્રેમના અભિયાનમાં જોડાઈ તેને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તરણેતર મેળામાં પ્રસ્તુત થતા નૃત્યો અને ગ્રામીણ ઓલિમ્પિકની સ્પર્ધાઓ વિશે વાત કરતા તેમણે મેળાના આયોજનને સરકાર દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
સમાજ એકતા માટે મેળાઓ જરૂરી: રાજયમંત્રી રૈયાણી
રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીએ જૂનાગઢ, માધવપુર જેવા અનેક મેળાઓની વાત કરતા આધુનિક સમયમાં મેળાઓ સમાજની એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે.આવા મેળાઓ થકી આવનાર નવી પેઢીમાં સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય એ માટે આવા કાર્યક્રમો થતા રહે એ ખૂબ જ જરૂરી છે.
કાર્યક્રમમાં જિલ્લાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિ:શુલ્ક તૈયારી કરી શકે એ માટે મુખ્યમંત્રીની હાજરીમાં અનએકેડમી સાથે ખઘઞ પણ કરવામાં આવ્યા હતા.