મેયર ડો. પ્રદિપ ડવ સાથે એરપોર્ટ પર મૂલાકાતમાં વિકાસ કામોની સમીક્ષા કરી: વ્રજેશબાવાના આર્શિવચન લીધા: એક કલાકથી વધુ સમયનું રોકાણ
અબતક,રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે સાંજે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટની ટૂંકી મૂલાકાતે આવ્યા હતા તેઓએ રાજય સરકારના પૂર્વ નાણામંત્રી, કર્ણાટકના માજી રાજયપાલ અને ભાજપના દિગ્ગજનેતા વજૂભાઈ વાળા સાથેપણ મૂલાકાત કરી હતી. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના ઘેરે શુભેચ્છા મૂલાકાત લીધી હતી. વૈષ્ણવાચાર્ય વ્રજેશ બાવાજીના આશિવર્ચન લીધા હતા. એરપોર્ટ પર તેઓએ રાજકોટનાં મેયર ડો. પ્રદિપ ડવ સાથે ટૂંકી મૂલાકાત દરમિયાન શહેરમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા કરી હતી એક કલાકથીવધુ સમય માટે તેઓ રાજકોટમાં રોકાયા હતા.
રાજકોટની ભાગોળે આવેલા ખીરસરા ગામમાં કૌશલ પાર્ક ખાતે ઉદ્યોગપતિ રાજેશભાઈ વડાલીયાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવ્યા હતા. એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ તેઓએ અહી રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ સાથે થોડીવાર માટે બેઠક યોજી હતી. અને શહેરમાં ચાલતા વિકાસ કામોની માહિતી મેળવી હતી.
જયાંથી તેઓ બાય રોડ સિધ્ધાજ ખીરસરા ગામે પહોચ્યા હતા જયાં તેઓએ વડાલીયા પરિવારનાં લગ્નોત્સવમાં હાજરી આપી હતી. રાજકોટની ટુંકી મૂલાકાત દરમિયાન વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર બાવાજીએ તેઓને આર્શિવચન પાઠવ્યા હતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના ઘરની પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા મૂલાકાત લીધી હતી. પૂર્વ નાણામંત્રી કર્ણાટકના માજી રાજયપાલ વજૂભાઈ વાળાને પણ તેઓએ સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં મળ્યા હતા રાજકોટમાં એક કલાકથી વધુ રોકાણ કરી તેઓ ગાંધીનગર પરત ફર્યા હતા.
આ પ્રસંગે રાજય સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી, શ્રમ અને રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડશ ઉપસ્થિત રહ્યા હતા.