આજે આણંદમાં, કાલે ભરૂચમાં, શુક્રવારે મોરબી અને શનીવારે રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે સંપર્ક-સંવાદ: જન પ્રતિનિધિ સાથે બેઠક
લોકસભાની ચૂંટણીના આડે હવે એક વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સતત ત્રીજીવાર લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા તમામ જિલ્લામાં પ્રવાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેદાનમાં ઉતરશે. આણંદ, ભરૂચ, મોરબી અને રાજકોટ જિલ્લામાં કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેશે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે છે. આવતીકાલે સીએમ ભરૂચ જિલ્લામાં, શુક્રવારે મોરબી જિલ્લામાં અને શનિવારે રાજકોટ જિલ્લાની મૂલાકાતે જશે. જ્યાં તેઓ લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો 5 લાખથી વધુ મતોની લીડ સાથે વિજેતા બને તે માટે અત્યારથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવા માટે કાર્યકર્તાઓ સાથે સંપર્ક અને સંવાદ કરશે. કાર્યકરોનો ઉત્સાહ વધારશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા ભાજપના જન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેઓને પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપશે.
ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલ દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોનો પ્રવાસ કરવામાં આવશે. કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેઓનો સંપર્ક કરવામાં આવશે.