વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો સાથે સંપર્ક સંવાદ: જન પ્રતિનિધિઓ સાથે પણ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર પધારી રહ્યા છે. મુખ્યમંત્રી જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે. સુરેન્દ્રનગરનાં નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરાશે.
એસટી મુસાફરોની સુવિધા અર્થે જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં 20,083 ચો.મી વિસ્તારમાં ફેલાયેલ આ બસ સ્ટેશન રૂ.6.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળું આ બસ સ્ટેન્ડ તૈયાર થતા જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ બસ સ્ટેશનમાં કુલ 14 પ્લેટફોર્મ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ પણ હશે. સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે દૈનિક ધોરણે સુરેન્દ્રનગર ડેપોની 140 અને અન્ય ડેપોની કુલ 140 બસો મળીને કુલ 280 બસોમાં 5000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. આ નવીન બસસ્ટેશનનું લોકાર્પણ થતા આ મુસાફરો માટે બસની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.
ટ્રાફિક ઓફિસ રૂમ, વહીવટ ઓફિસ, ઇન્કવાયરી રૂમ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ સહિતની તમામ સુવિધાઓ આ સ્ટેશનમાં ઉપલબ્ધ છે. પાર્સલ રૂમ, ઇલેક્ટ્રીક અને જનરેટર રૂમ, મુસાફરો માટે શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પ, બુકિંગ રૂમ, ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, સ્પેસ ફોર લોકર સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજયના તમામ જિલ્લાની મૂલાકાત લઈ રહ્યા છે. દરમિયાન આવતીકાલે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરના પ્રવાસે આવશે. ભાજપના કાર્યકરો સાથે સંપર્ક તથા સંવાદ કરશે ત્યારબાદ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજશે.
સુરેન્દ્રનગર, વેરાવળ, બોટાદ અને ખંભાળીયામાં કાલે એફએમ ટ્રાન્સમીટરનું લોકાર્પણ
દેશમાં 100 વોટના 91 ટ્રાન્સમીટર્સનું વડાપ્રધાન કરશે ઉદઘાટન
સૌરાષ્ટ્રના ચાર શહેરોને આવતીકાલથી એફએમ ટ્રાન્સમીટરની સુવિધાઓ પ્રાપ્ત થશે વડાપ્રધાનના હસ્તે કાલે 91 એફ.એમ. ટ્રાન્સમિટર્સનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી એફએમનો વ્યાપ સતત વધી રહ્યો છે. હવે તેનું વિતરણ થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 28 એપ્રિલે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરેન્દ્રનગર ખાતેથી સમગ્ર ભારતમાં 100 વોટના કુલ 91 એફ.એમ. ટ્રાન્સમિટર્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર્રના સુરેન્દ્રનગર, વેરાવળ, બોટાદ, ખંભાળિયાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દૂરદર્શન દ્વારા કરવામાં આવશે, જેમાં ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ તથા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.