સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં રૂ.8000 કરોડથી વધુના ખર્ચે 281 વિકાસકાર્યો પૂર્ણ: વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં ઉત્તમ કનેક્ટિવિટી ઉપલબ્ધ

ગુજરાતએ ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકિકરણ અને શહેરીકરણ ધરાવતું રાજ્ય છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા બે દાયકાઓમાં નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં 124 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત પસંદ કરાયેલા છ શહેરોમાં રૂ.8963 કરોડના ખર્ચે કુલ 281 વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમાંકે છે. ગુજરાત રાજ્ય આ મિશન અંતર્ગત પાંચમાં ક્રમાંકે છે.

સુરત સ્માર્ટ સિટી તો બની જ રહ્યું છે, પરંતુ સુરતના હીરા ઉદ્યોગના વિકાસ માટે તેમજ હીરા, અન્ય કીમતી પથ્થરો અને ઘરેણાની આયાત-નિકાસ અને વેપારને પ્રમોટ કરવા માટે સુરતમાં ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી  નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડ્રીમ સિટીનો ઉદ્દેશ હીરાના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગમાં સંકળાયેલી સંસ્થાઓને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનો છે. તેના કારણે હીરા, કીમતી પથ્થર અને ઘરેણા ઉદ્યોગને સપોર્ટ કરવા માટે ભારત ખાતે એક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સેન્ટર સ્થાપિત કરવામાં મદદ મળશે.

વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે. આજે સમગ્ર રાજ્યમાં વધી રહેલા વાહનવ્યવહારના મેનેજમેન્ટ માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા એક સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકો માટે પરિવહન સરળ બની રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ગુજરાતમાં મેટ્રો ટ્રેન દોડે તેવું સ્વપ્ન જોયું હતું અને અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હેઠળ આ સ્વપ્ન હકીકતમાં પલટાયું છે. તાજેતરમાં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી નવી વંદે ભારત ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો છે, જે ગાંધીનગરથી મુંબઈ ખાતે દોડી  રહી છે. દેશની આ પહેલી એવી વંદે ભારત ટ્રેન છે, જે ‘કવચ’ ટેક્નીકથી સજ્જ છે અને દેશમાં જ વિકસિત થયેલી છે.

રાજ્ય સરકારે એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનનો પણ અત્યાધુનિક વિકાસ કર્યો છે. ભારત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ ‘ઉડાન’ યોજના હેઠળ રાજ્યના 9 એરપોર્ટ્સ પર 18 રૂટ દ્વારા હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેના માટે 924 હેક્ટરની જમીન સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવી છે.

આજે રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબ અને નીચલા મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં 7.50 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ શહેરમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓ તથા 156 નગરપાલિકાઓમાં વ્યક્તિગત શૌચાલયોની સેવા પૂરી પાડવામાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. સમગ્ર ભારતમાં શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્ય સૌપ્રથમ ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય જાહેર થયું હતું.

ગુજરાતના તમામ શહરોમાં ગેસ, વીજળી અને પાણીની ઉત્તમ સુવિધાઓ નાગરિકોને મળી રહી છે. શહેરોના સુગઠિત અને આયોજનપૂર્વકના વિકાસથી આજે રાજ્યના શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ’ નો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાત તેના વિકાસશીલ ઔદ્યોગિક ક્ષેત્રો માટે જાણીતું છે, જેમાં પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ તેમજ હીરા ઉદ્યોગ, જેમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગોએ રોકાણોને આકર્ષિત કર્યા છે અને રોજગારીની તકોનું સર્જન કર્યું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો શહેરોમાં સ્થળાંતર કરીને આવ્યા છે. તેનાથી રાજ્યની શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે.ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ થયું છે. આ શહેરોમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને મનોરંજન સ્થળો સહિત આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ તેમજ વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. આ શહેરી વિસ્તારોમાં સુવિધાઓ અને તકોની ઉપલબ્ધતાએ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં સ્થળાંતરને વધુ વેગ આપ્યો છે.

એમાં પણ અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીસ-જનમાર્ગ પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેન, અટલ બ્રિજ વગેરે જેવા સફળ શહેરીકરણ પ્રોજેક્ટ્સની સાથે-સાથે અમદાવાદમાં જૂની પોળ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવી જૂની ઇમારતો પણ અડીખમ ઉભી છે. અમદાવાદનું શહેરીકરણ અને આધુનિકીકરણ જોતા ઞ20 બેઠકોની યજમાની કરવા માટે આ શહેરને પસંદ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં થયેલું શહેરીકરણ તેની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને રાજ્ય સરકારની પહેલોનું પરિણામ છે. આ પ્રક્રિયાએ ગ્રામીણ વિસ્તારોને ધમધમતા શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે અને રોકાણ, વ્યવસાયો અને સ્થળાંતર કરનારાઓને આકષ્ર્યા છે. શહેરોનો વિકાસ રાજ્યમાં વિવિધ તકોને આકર્ષે છે, અને એટલે જ શહેરી વિકાસનું સંચાલન કરવું અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવું એ નાગરિકોની સુખાકારી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.