મિકેનિઝમ સિસ્ટમથી કર્યું ધ્વજારોહણ
શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મંદિરે ભોળાનાથને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી એ સોમનાથ મહાદેવ સમક્ષ ગુજરાતના લોકોની સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન તેમજ આરોગ્ય અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.
સૌ પ્રથમ મુખ્યમંત્રી એ દિગ્વિજય દ્વાર સામે રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ગરિમાપૂર્વક વંદન કરી ફૂલ અર્પણ કર્યા હતાં. જે પછી મંદિરમાં આગમન સાથે જ સૌ પ્રથમ શરણાઈના મધુર સૂર સાથે પંડિતો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે ત્યારે મુખ્યમંત્રી એ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી એ મંદિરમાં પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્વર મહાપૂજાનો લાભ લીધો હતો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવેલી ખાસ મિકેનિઝમ સિસ્ટમથી ધ્વજારોપણ પણ કર્યુ હતું. મુખ્યમંત્રી ને સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ દ્વારા સોમનાથની તસવીર ભેટ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ના સોમનાથ પ્રવાસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વમંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.