- કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા, રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયા પણ રહેશે ઉપસ્થિત
- રાજકોટ જિલ્લા બેન્ક સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ખાસ હાજરી આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામે આવી રહ્યા છે. તેઓ યુવા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના મહેમાન બનશે. રાજકોટ જિલ્લા બેન્ક સહિત અલગ-અલગ સાત સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપશે. આ તકે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે બપોરના ત્રણ કલાકે જામકંડોરણા ખાતે આયોજીત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને હાજરી આપનાર છે. આ અંગેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. જામકંડોરણાના કાલાવડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે. જેઓને ખેડુત નેતા જયેશ રાદડીયા આવકારશે.
આરડીસી બેંક, રાજકોટ દુધ ઉત્પાદન સંઘ લી., રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘ લી., રાજકોટ જીલ્લા સહકારી સંઘ, રાજકોટ જીલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુની.લી., રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના કર્મ. સ.મં.લી.ની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજનારી આ વાર્ષિક સાધારણ સભામાં ઉદઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને દીપ પ્રાગટય વિધી કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરાશે.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયા અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા સહીતના મંત્રીઓ તેમજ સાંસદ પરસોતમ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ જેઠાભાઈ આહીર અને અજયભાઈ પટેલ તેમજ બી.કે. સીંઘલ, ગોવિંદભાઈ રાણપરીયા તેમજ ધારાસભ્યો અને સહકારી અગ્રણીઓ હાજર રહેશે.
આ પ્રસંગે આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા અને જનરલ મેનેજર વી.એમ. સખીયા, અને મંડળીઓના પ્રમુખો દ્વારા નિમંત્રણ અપાયા છે. રાજકોટ જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષીક સાધારણ સભામાં અકસ્માત વિમા ચેકનું વિતરણ, સહકારી શિબિર અને મોટર સાયકલ ઈનામ વિતરણ મહાનુભાવોના હસ્તે કરાશે. આ તકે ખેડુત નેતા અને ગરીબોના બેલી એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને ખાસ શ્રધ્ધાસમન અર્પણ કરાશે.
રાજકોટ જિલ્લા બેન્કના યુવા ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા ખેડુતો માટે કોઇ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે.