મહેસુલ મંત્રી સાથે સમગ્ર પ્રોજેકટનો જાતે તાગ મેળવ્યો: યુટીલિટી ટનલનું કર્યું નિરીક્ષણ
અબતક-ગાંધીનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.ગિફ્ટ સિટીના માંકડ અને તપનરેએ મુખ્યમંત્રીને ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા.