વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા તૈયાર થનાર અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત કર્યું
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે, જે ટેકનોલોજીના જાણકાર છે, જમીન સાથે જોડાયેલા છે. અલગ અળગ ક્ષેત્રોમાં કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં કામ આવશે. નગરપાલિકાથી શરૂ કરીને ઔડા સુધીની સફર, 25 વર્ષથી અખંડ રૂપથી પ્રશાનને તેમણે નજીકથી જોયુ અને તેનું નેતૃત્વ કર્યુ છે. મને ખુશી છે કે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે.
આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા છતા, વિવિધ પદ પર રહ્યા છે તેમના ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ઓછુ બોલે છે, પણ કાર્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરવું તે તેમની કાર્યશૈલીનો હિસ્સો છે. અનેક લોકોને ખબર છે કે, તેમનો પરિવાર આદ્યાત્મક પ્રતિ સમર્પિત રહ્યો છે. આવા ઉત્તમ સંસ્કારવાળા નેતા નેતૃત્વ કરી રહ્યાં છે.
પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, બાપુએ રામરાજ્યના આદર્શ પરચાલનારા સમાજની કલ્પના કરી હતી. મને ખુશી છે કે ગુજરાતના લોકો આ મૂલ્યોને મજબૂતીથી આગળ વધારી રહ્યાં છે. સેવા સમાજ દ્વારા શિક્ષાના ક્ષેત્રમાં કરવામાં આવેલી આ પહેલ આ જ કડીનો ભાગ છે. આજે હોસ્ટેલનુ ભૂમિપૂજન થયુ છે. 2024 સુધી બંને ફેઝનું કામ પૂરુ થઈ જશે. આ પ્રયાસથી લોકોને નવી દિશા મળશે. સપનાને સાકાર કરવાનો અવસર મળશે. મને સંતુષ્ટ છે કે, સેવાના કાર્યમાં સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો પ્રયાસ છે. મને ગર્વ થાય છે કે ગુજરાત કેવી રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. જાતિ અને પંથને આપણે રુકાવટ બનવા નથી દેવું. આપણે સૌ ભારતના દીકરા-દીકરી છે, સૌએ દેશને પ્રેમ કરવો જોઈએ એવુ સરદાર પટેલે કહ્યુ હતું. તેમની આ ભાવનાને ગુજરાતે મજબૂતી આપી છે.
તેમણે વધુમાં કહ્યુ કે, ભારત હાલ આઝાદીના 75 મા વર્ષે છે. ગુજરાતના વિકાસમાં અનેક લોકોના તપ, ત્યાગ અને તપસ્યા છે. એવા લોકો છે, જેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. છગન ભાનો દ્રઢ વિશ્વાસ હતો કે, શિક્ષણ જ સમાજના સશક્તિકરણનું મુખ્ય પરિબળ છે. 1919 માં તેમણે કડીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી હતી. સરદાર પટેલના એક અવાજથી ભાઈકાકાએ નોકરી છોડીને શિક્ષણ વિભાગમાં મોટો રોલ ભજવ્યો. ભાઈકાકાએ એ સમયે રુરલ યુનિવર્સિટીનુ સપનુ જોયુ હતું.
ભીખાભાઈ પટેલે પણ ભાઈકાકા અને સરદાર પટેલ સાથે કામ કર્યું. એચએમ પટેલ પણ સરદારના નજીકના ગણાતા. એવા અનેક નામ છે જે આજે મને યાદ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના મૌલા પટેલે વિશાળ શિક્ષણ સંસ્થા બનાવી હતી. જામનગરમાં કેશવજી વિરાણી, અરજણભાઈ વિરાણીએ વિદ્યાલયો બનાવ્યા હતા. આવા અનેક લોકોના પ્રયાસોનો વિસ્તાર આજે ગુજરાતના અલગ અલગ વિકાસમાં દેખાય છે. કેવી રીતે નાના નાના પ્રયાસોથી તેમણે મોટા લક્ષ્ય પાર પાડ્યા છે. પ્રયાસોની આ સામૂહિકતા સારુ પરિણામ આપે છે.
મારા જેવા સામાન્ય વ્યક્તિ જેનો કોઈ મોટો આધાર ન હતો, તમારા આર્શીવાદની સીમા એટલી મોટી છે કે , 20 વર્ષથી પહેલા ગુજરાતની અને આજે સમગ્ર દેશની સેવા કરવાનો મોકો મળ્યો. સૌનો સાથ સૌના વિકાસનું સામ્યર્થ શુ હોય છે તે હું ગુજરાતથી શીખ્યો છું. એક સમયે ગુજરાતમાં દીકરીઓના ડ્રોપ આઉટની મોટી સમસ્યા હતી. જેના સામાજિક અને વ્યવહારિક કારણો પણ હતા. દીકરીઓ એટલા માટે સ્કૂલે જતી ન હતી કે, સ્કૂલોમાં તેમના માટે શૌચાલય જ ન હતી. આ માટે ગુજરાતે પંચશક્તિમાંથી પ્રેરણા મેળવી.
તેમણે કહ્યું કે, ગુજરાતના દરેક ખૂણામા જઈને બેટી બચાવો માટે શપથ અપાવડાવ્યા હતા. ગુજરાતે ઓછા સમયમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી જેવા અનેક ઈનોવેટિવ શરૂઆત કરીને દેશને નવો માર્ગ આપ્યો છે. તેનો લાભ ગુજરાતના યુવાઓને મળી રહ્યો છે. જે પ્રયાસોમાં તમે મારો સાથ આપ્યો, ખભે ખભો મળાવીને ચાલ્યા, તમે ક્યારે પાછળ વળઈને ન જોયુ, તેનાથી મળેલા અનુભવ દેશમાં મોટા બદલાવ લાવી રહ્યાં છે. ગામનો ગરીબ બાળક પણ ભાષાને કારણે ક્યાંય વિકાસમાં અટવાશે નહિ. ભણતરને સ્કીલ સાથે જોડવામાં આવી રહ્યું છે.
શિક્ષણ એ વિકાસનો મુખ્ય આધાર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પટેલ સમાજના ઈતિહાસમાં પ્રથમવાર સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું આજે દશેરાના શુભ દિવસે ભૂમિપૂજન થઈ રહ્યું છે. શિક્ષણ એ વિકાસનો મુખ્ય આધાર છે. આજની યુવા પેઢી વિશ્વકક્ષાનું જ્ઞાન મેળવે તેનો સંકલ્પ વડાપ્રધાને કર્યો છે. આ કામગીરીમાં સમાજશક્તિ પણ જોડાઈ છે તે સોનામાં સુગંધ ભળે તેવું છે.
સરદાર ધામ અને કેળવણી ધામ પછી આ સરદાર હોસ્ટેલ ભગીરથ કાર્ય છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનું સૂત્ર પટેલ સમાજે સાકાર કર્યો છે. પટેલ સમાજ ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ બન્યો છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરતમાં વિશેષ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કાર્ય સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, તે હોસ્ટેલનું આજે વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં ભૂમિપૂજન કરાયું હતું. રૂપિયા 200 કરોડના ખર્ચે સાકાર થનાર આ હોસ્ટેલ પટેલ સમાજનું સપનું છે. આ હોસ્ટેલમાં ભણીને તૈયાર થતાં 5000 યુવાનોને રોજગારી મળશે એવું સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું.