વડોદરા શહેરના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે.
હોસ્પિટલમાં જઈ હતભાગી બાળકોના પરિવારજનોને દિલસોજી પાઠવી
મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને તપાસના આદેશ આપ્યા
વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં કલેકટર શ્રી અતુલ ગોર, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે એન.ડી.આર.એફ,ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે.
ઘટનાની જાણ થતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર વડોદરા પહોંચી ઘટના સ્થળની મુલાકાત લઈ આ દુ:ખદ ઘટનાની જાણકારી મેળવી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરની એસ.એસ.જી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
વડોદરાની આ કરૂણ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટિયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે.
વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે દ્વારા રૂ.ચાર લાખ અને ઘાયલોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાયની જાહેરાત કરી છે.
આ દુખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મૃતકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
31 વર્ષ પહેલા સુરસાગરમાં હોડી દુર્ઘટનામાં 22ના ભોગ લીધા હતા
31 વર્ષ પહેલાં જન્માષ્ટમીના દિવસે સાંજના સમયે સુરસાગરમાં બોટ દુર્ઘટના થઈ હતી. બોટમાં 38 લોકો બેઠા હતા, જેમાંથી 16 ને બચાવી લેવાયા હતા અને 22નાં મોત થયાં હતાં. ત્યારબાદ 17 વર્ષે પાલિકાએ 1.39 કરોડ રૂપિયા વળતર રૂપે ચૂકવવા પડયા હતા. જે બાદ સુરસાગરમાં બોટ સર્વિસ શરૂ કરવા સામે જાગૃત નાગરિક સંગઠનના પુરુષોત્તમ મુરજાણીએ વિરોધ કર્યો હતો અને હરણી તળાવ ખાતે પણ બોટિંગ શરૂ કરતાં તેમણે સલામતીના સવાલો ઉઠાવી વિરોધ કરી નોટિસ પણ આપી હતી, છતાં પાલિકા તંત્રે ગણકાર્યું ન હતું . આજે 14 માસૂમોએ જીવ ગુમાવ્યા છે.
ન્યુ સનરાઇઝ સ્કૂલના હતભાગી 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મોત
વડોડદારના વાઘોડીયા રોડ પર આવેલી સુર્યનગર ગરબા ગ્રાઉન પાસે ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓના ્રપ્રવાસ હરણી લેક ઝોનમાં બોટીંગ દરમિયાન બનેલી દુર્ઘટનામાં કાળનો કોળીયો બનેલા શેખ મુઆવીયા મહંમદ સાહિર, શેખ સકીના સોકત અબ્દુલ રસીદ, ખલીફા રૈયાન હારુન, આયાન અલ્તાફ હુસેન, અલીશા મહંમદ કોઠારીવાલ, નેન્સી રાહુલ માછી, આસીયા ફારુખ હુસેન ખલીફા, વિશ્ર્વકુમાર કલ્પેશ શાહ, ઋુત્વી પ્રતિક શાહ, મહંમદ અયાન મહંમદ અનિશ ગાંધી, રોશની પંકજ રામદાસ, જહાબીયા મહંમદ યુનુસ સુબેદાર અને છાયાબેન હિતેન્દ્ર સુરતી અને ફાલ્ગુનીબેન મનિષ પટેલનો સમાવેશ થાય છે.
વિવિધ દુર્ઘટનામાં કમનસીબ મૃતકોને ક્યારે ન્યાય મળશે?
રાજ્યના જુદા-જુદા શહેરોમાં બનેલી દુર્ઘટનામાં તક્ષશિલા દુર્ઘટના સુરત – 22 બાળકોના મોત, મોરબી બ્રીજ દુર્ઘટના – 55 બાળકો સહિત 135 મોત, રંઘોળા અકસ્માત દુર્ઘટના – 36 મોત, વિવિધ લઠ્ઠાકાંડ – 100 જેટલા મોત, કાંકરીયા રાઈડ દુર્ઘટના – 2 બાળકો મોત, ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટના – 18 મોત, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ – 8 મોત, ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ – 6 મોત, અમદાવાદ-સુરત રાજકોટ બીઆરટીએસ અકસ્માત 70થી મોત, વડોદરા દુર્ઘટના – 12 બાળકોના મોતની કમનશીબ ઘટનામાં મૃતકોને ક્યારે ન્યાય મળશે તેવો સવાલ થઇ રહ્યો છે.