ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો પાયો નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્ત્વમાં નંખાયો છે:મુખ્યમંત્રી
જર્મની પેવેલિયન-પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ગોબરધન અને રાજ્ય-કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓનું વિશેષ પેવેલિયન પ્રદર્શનના મુખ્ય આકર્ષણ: ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે: પરસોતમભાઈ રૂપાલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 11માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાનએ જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેતી, ગામડુ, છેવાડાના માનવીના સર્વગ્રાહી વિકાસ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે. ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ, એક્સપોર્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, કોવિડ મેનેજમેન્ટ સહિત સર્વાંગી ક્ષેત્રે દેશમાં રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલી વિકાસની રાજનીતિ અને સૌના કલ્યાણનો મંત્ર છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે સાથે પોષણયુકત ખેતી માટે નેચરલ ફાર્મીંગ-પ્રાકૃતિક ખેતીનો પણ વ્યૂહ સરકારે અપનાવ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રના સમ્યક વિકાસ માટે ખેતીને પ્રાથમિકતા આપે છે. ગુજરાતે કષિક્રાંતિ, વાયબ્રન્ટ સમિટથી ઔદ્યોગિક રોકાણોની વ્યાપક સફળતા, એફ.ડી.આઇ મેળવવામાં અગ્રીમસ્થાન અને નીતિ આયોગના ગુડગર્વનન્સ તેમજ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં અગ્રેસર રહેવાની પરંપરા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જાળવી રાખી છે. ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને વિશ્વના પ્રવાહ અનુરૂપ પાક પદ્ધતિ અને કૃષિ જ્ઞાન-વિજ્ઞાન ઘર આંગણે પૂરા પાડવામાં આવા પ્રદર્શનો ઉપકારી બનશે.તેમણે પ્રદર્શનીના જર્મની પેવેલિયન, પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ડ્રોન પેવેલિયન સહિતના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ ‘એગ્રી એશિયા’ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ અને પશુપાલન વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે ત્યારે આ ત્રિદિવસીય એગ્રી એશિયા અને 9મું પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શન તેમાં વધુ પ્રોત્સાહક બળ પૂરું પાડશે.
કોરોનાના કારણે વૈશ્વિક મંદીના માહોલમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ અગત્યની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની પશુપાલન હિતલક્ષી નીતિઓ તેમજ પશુપાલકોના પરિશ્રમને પરિણામે ગુજરાતના પશુપાલકો આજે દૈનિક રૂપિયા 150 કરોડની માતબર રકમનું દૂધ ભરાવી રહ્યા છે જે દૂધ સહકારી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. તેમ રૂપાલાએ જણાવ્યું હતું.
રૂપાલાએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌપ્રથમ ગુજરાતમાં પશુપાલન સાથે જોડાયેલી કામધેનું યુનિવર્સિટીની સ્થાપના અને કૃષિ મહોત્સવ થકી દેશને પશુપાલન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નવી દિશા આપી છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ઝીરો ટકાએ કૃષિ ધિરાણ આપવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતભરના ખેડૂતો આજે ડ્રોન ટેકનોલોજી થકી ખેતી કરતાં થયાં છે તેમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોને ડ્રોન થકી ખેતીમાં દવાના છંટકાવ પર સબસિડી આપીને દેશને નવો રાહ ચિંધ્યો છે. કૃષિ-પશુપાલન સંબંધિત વિવિધ સ્ટોલ્સની મુલાકાત તેમજ વિવિધ સેમિનારમાં સહભાગી થવા કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને અનુરોધ કરીને આ સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી સહિત અધિકારીઓ અને આયોજકોને અભિનંદન આપ્યાં હતા. ચેરમેન ડો. ભરતભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરીને આજથી શરૂ થયેલાં ત્રિદિવસીય 11માં એગ્રી એશિયા અને 9માં પશુપાલન-ડેરી ટેકનોલોજી પ્રદર્શનની વિસ્તૃત રૂપરેખા આપી હતી.