- વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :-
- કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે
- વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે
- રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે
- સુશાસન દિવસે અમદાવાને રૂ. 868 કરોડના વિકાસ કામોની મુખ્યમંત્રીએ આપી ભેટ
- ઝુપડપટ્ટી વિસ્તારના 345 પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા
- ગાર્ડન, પશુ આશ્રયસ્થાન- કરુણા મંદિર તથા આંગણવાડીનું લોકાર્પણ
- જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ- 2024’ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે.
કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે. તેમજ અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. 868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના 100માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે.
તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.
રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રૂ. 868 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલી ઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. નરેન્દ્ર મોદીએ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો. વડાપ્રધાનએ આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવાં નવિન પ્રકલ્પો આપ્યાં છે.
તેમના આગવા વિઝનથી 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રંટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલની હવે તો દર વર્ષનાં ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતાં થયાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ, સુઘડ અને રળીયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી. આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈને કાંકરિયા કાર્નિવલની ઉત્તરોત્તર સફળતા અને કાર્નિવલના નવીન આયામોની શહેરીજનોના મનોરંજનમાં રહેલી ભૂમિકા વર્ણવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 25.73 કરોડના 6 વિકાસ કામનું લોકાર્પણ તેમજ રૂ. 842.03 કરોડના 28 વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુપડપટ્ટી વિસ્તારના 345 પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા છે. તદુપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન, વટવામાં પશુઓનું આશ્રય સ્થાન- કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીએ રૂ. 842 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમાં જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યૂઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે, તે અંગેનું ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એનાયત કરાયું હતું.
આ પ્રસંગે અમદાવાદના અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નાસરન, સર્વે ધારાસભ્યઓ સાંસદઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.