• ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી આ શાળામાં સ્માર્ટ ક્લાસ રૂમ, સ્ટેમ રૂમ, અદ્યતન કમ્પ્યુટર લેબ, વિશાળ રમત ગમતનું મેદાન સહિતની સુવિધાઓ
  • શાળા સ્વચ્છતા એવોર્ડ, ગ્રીનશાળાનો એવોર્ડ, બેસ્ટ ગાર્ડન કેમ્પસ શાળા એવોર્ડ, બેસ્ટ એસએમસી એવોર્ડ,
  • બેસ્ટ કિચન ગાર્ડન એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિતના અનેકવિધ એવોર્ડ્સ મળી ચૂક્યા છે શાળાને

ભણવાનો સમય પૂરો થઈ જાય, તેમ છતાં બાળકોને ઘરે જવાનું મન ન થાય તેવી સરકારી શાળા એટલે ‘શ્રી સરોડી પ્રાથમિક શાળા’. સુરેન્દ્રનગર જીલ્લાનું છેલ્લું ગામ એટલે સરોડી. આ ગામ તાલુકા મથક થાનગઢથી આશરે 15 કિલોમીટર જેટલું દુર આવેલું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા આવી જ એક સરકારી શાળા છે, જ્યાં પ્રકૃતિના સાંનિધ્યમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે શિક્ષણ મેળવે છે. ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી કે, જમીન પથ્થરથી જ ચાલુ થાય છે, એટલે વૃક્ષ વાવવા ખૂબ જ કઠિન કામ હતું. ભૂતકાળમાં જ્યાં એક પણ વૃક્ષ ન હતું, ત્યાં આજે 2500 થી 2700 જેટલા વૃક્ષો અને છોડની હરિયાળી લહેરાઈ રહી છે.

70 વર્ષ જૂની આ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળામાં સાત સ્માર્ટ ક્લાસ, સમૃદ્ધ લાઇબ્રેરી, અદ્યતન કમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, 40 ઇંચના બે સ્માર્ટ ટીવી, બેસ્ટ ગાર્ડન કેમ્પસ, વિશાળ રમતનું મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, વિશાળ સરસ્વતી સાધનાખંડ, સ્વચ્છ સેનિટેશન, કિશોરીઓ માટે વિનામૂલ્ય પેડ વિતરણ, વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, હવા ઉજાસ વાળા વર્ગખંડ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, શાળાના કમ્પાઉન્ડ અને કમ્પ્યુટર લેબમાં સી.સી.ટી.વી. કેમેરા, પીવાના ઠંડા પાણીની સુવિધા, મુખ્ય આકર્ષક પ્રવેશ દ્વાર, ફેન્સી બેન્ચ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ, ફાયર સેફ્ટીના સાધનો સહિતની સુવિધાઓ બાળકો માટે ઉપલબ્ધ છે.

લોકોની સામાન્ય માન્યતા હોય છે કે ખાનગી શાળા જ શ્રેષ્ઠ શાળા હોય, પરંતુ છેલ્લા દાયકાથી રાજ્યમાં સરકારી શાળાઓમાં રાજ્ય સરકારના કાયાપલટ પ્રોજેક્ટ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો થયો છે.

શાળાની સ્થાપના આજથી આશરે 70 વર્ષ પહેલા તા.15 મી જાન્યુઆરી,1954 ના રોજ કરવામાં આવી હતી. ત્યારે માત્ર બે રૂમથી જ શાળા ગામમાં શરૂ કરવામાં આવી હતી. જગ્યા ઓછી હોવાથી ગામના આગેવાનો અને શિક્ષકોના પ્રયાસથી શાળાને ગામથી દૂર વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ સંસ્થાના મદદથી સૌ પ્રથમ ત્રણ રૂમ બનાવી શરૂ કરવામાં આવી હતી. હાલ શાળાનું મેદાન 10,000 સ્ક્વેર મીટર જેટલું છે. જેમાં 10 જેટલા વર્ગ ખંડો આવેલા છે. શાળામાં જરૂરી સુવિધાઓ નિર્માણ કરવા સરકારી યોજનાઓનો લાભ મળતો રહ્યો અને શાળાનું નિર્માણ થતું રહ્યું. તાજેતરમાં જ ચાર વર્ગખંડનું નવું બિલ્ડીંગ બનાવાયું છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના વરદહસ્તે  આજે  શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કરવામાં  આવ્યું હતુ.

બાળકોમાં શિક્ષણ જ બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો સાથે વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે છે. શાળામાં નૈતિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળી રહે એ માટે ખોયાપાયા, રામહાટ, બચતબેન્ક, અક્ષય પાત્ર, સાબુ બેંક જેવી પહેલ કરી ગમ્મત સાથેનું જ્ઞાન આ શાળામાં આપવામાં આવી રહ્યું છે. શાળામાં બાળકોને ગોખણીયા જ્ઞાનના સ્થાને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવહારૂ જ્ઞાન પણ સુચારુ ઢબે આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો દ્વારા દર વેકેશનમાં શાળાને 10 દિવસ પહેલા ખોલીને બાળકો તથા વાલીમાં શાળા માટે વિશ્વાસ સંપાદિત કરવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્કિલ ડેવલપમેન્ટ અંગેના અભ્યાસક્રમ અને ખાસ કરીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની સક્રિયતાને કારણે શાળાની કાયાપલટ થઈ છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના સ્કોલશીપના કારણે ક્ધયા શિક્ષણ પ્રત્યે વાલીઓ જાગૃત્ત બન્યા છે. વિદ્યાર્થીઓને ગણવેશ-પાટીપેન માટે શિષ્યવૃત્તિ યોજનામાં કુમારને રૂ. 1650 અને ક્ધયાને રૂ.1900  (ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર) મારફતે આપવામા આવે છે.હાલ આ શાળામાં બાલવાટિકા થી લઈને ધો.8 સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે. પ્રાથમિક શાળાના બિલ્ડીંગની બાજુમાં જ માધ્યમિક શાળાનું બિલ્ડીંગ આવેલું છે, જેમાં ધો. 09 અને 10 નો અભ્યાસ ચાલી રહ્યો છે.

શાળાને મળેલા એવોર્ડ

મુખ્યમંત્રીના વરદ હસ્તે તાલુકા પ્રથમ શાળા સ્વચ્છતા એવોર્ડ, ગ્રીનશાળાનો એવોર્ડ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની ટોપ ફાઈવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ શાળા એવોર્ડ, બેસ્ટ એસએમસી એવોર્ડ 2016-17, બેસ્ટ કિચન ગાર્ડન એવોર્ડ, તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, શાળામાં પાંચ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષકોનો એવોર્ડ, શાળાની ઉમદા કામગીરી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી પ્રશસ્તિપત્ર પણ શાળાને મળેલ છે.

શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ

છેલ્લા ચાર વર્ષથી ગુણોત્સવમાં એ ગ્રેડ અને ભૌતિક સુવિધા માં અ પ્લસ ગ્રેડ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા લેવલ સુધી ભાગ લીધેલ છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત કરુણા સારસ્વત ગ્રુપમાં ‘કોડિયા ને અજવાળે’ માં શાળાના શિક્ષકોનું સન્માન, તાલુકાના કોરોનાવોરીયર્સ તરીકેનું સન્માન, જિલ્લામાં સૌથી વધારે વર્ચ્યુઅલ કલાસ લેનાર શાળાના બહેનો, નવોદયની પરીક્ષામાં દર વર્ષે વિદ્યાર્થીઓની ભાગીદારી, જિલ્લા લેવલના ઇનોવેશનમાં ત્રણ વખત શાળાના શિક્ષકોએ ભાગ લીધેલ છે. ટોય ફિલ્મમાં પણ તાલુકા અને જિલ્લા લેવલ સુધી શાળાના બહેનોએ ભાગ લીધેલ છે. વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ ટૂર ફેરનું આયોજન, શાળાનો પોતાનો બ્લોગ અને શાળાની પોતાની યુ ટ્યુબ ચેનલ, કોરોનાની મહામારી વચ્ચે પણ સ્ટાફ દ્વારા એક પણ દિવસ શાળા બંધ ન રાખી અને આ સમયનો સદુપયોગ કરી અને શાળાને નવરંગી બનાવવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.