લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં હાલ ચાલતા વિકાસકામોનું ઝડપથી લોકાર્પણ કરી દેવા અને બજેટમાં જાહેર કરવામાં આવેલા પ્રોજેક્ટ ઝડપથી શરૂ થઇ જાય તે દિશામાં કામગીરી કરવા માટે ભાજપ હાઇકમાન્ડ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કચ્છ જિલ્લાની મૂલાકાતે છે. તેઓના હસ્તે ભૂજ બસ પોર્ટ સહિતના 18 વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે. સીએમના હસ્તે ધોરડોમાં લાઇટ એન્ડ સાઉન્ડ-શોનો પણ આરંભ કરાવવામાં આવશે.
અલગ-અલગ 18 વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત કરવામાં આવશે:
કાલે ખાવડામાં આર.ઇ.પાર્કનું કરશે નિરિક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભુજ ખાતેથી ભુજ બસપોર્ટના લોકાર્પણ સહિત વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ધોરડો ખાતે રણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાલે મુખ્યમંત્રી ખાવડા ખાતે આર.ઈ.પાર્કમાં ચાલી રહેલા વિવિધ કામોનું નિરીક્ષણ કરશે.
આજે મુખ્યમંત્રી દ્વારા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયનરમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે.
આજે સાંજે 5 વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તેમજ મંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વ રાજ્ય સરકાર દ્વારા શક્ય તેટલા વિકાસ કામોનું લોકાર્પણ થઇ જાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તમામ મહાપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોને તેઓના હસ્તકના વિકાસકામો ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. સાથોસાથ જે કામોની ઘોષણા કરવામાં આવી છે. તે પણ ઝડપથી પૂર્ણ થઇ જાય તે દિશામાં કામ કરવા સૂચના આપી દેવામાં આવી છે.