- રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતી
- મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ 2.0માં શ્રેષ્ઠ શાળા, જિલ્લા અને મહાનગરોને એવોર્ડ-પુરસ્કાર અપાયા
- રાજ્યના રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્ર્રક્ચર આપવાની સરકારની નેમ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી
- રમત-ગમત માટેનું બજેટ બે દાયકામા અઢી કરોડથી વધારીને રૂ. 352 કરોડ કર્યુ છે.
- 22 જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ કાર્યરત – નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે
- 2036ના ઓલિમ્પિક્સના રન અપ રૂપે ગુજરાત પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે
- “ખેલે તે ખીલે”ના મંત્ર સાથે 2010માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધી ખેલાડીઓનું ખેલ કૌશલ્ય ઝળક્યું છે
હર્ષ સંઘવી
- ખેલ મહાકુંભના પરિપાક રૂપે ગુજરાતને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ઠ પ્રદાન આપનારા ખેલાડીઓ મળ્યા છે.
- ગુજરાતનો ખેલાડી મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન બન્યો છે
- ઓલિમ્પિક્સ જેવા ભવ્ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો તેમજ આતશબાજીએ અનોખો જુસ્સો જગાવ્યો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2002માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂ.352 કરોડ થયું છે.
એટલું જ નહિ, 2002માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા આજે ૨૨ જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે તેમજ નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં 22 એકરમાં મલ્ટી યુટિલીટી સ્પોર્ટસ સેન્ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે 233 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેયુ હતું.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મંત્રીઓ કુવરજી બાવળીયા, ભાનુ બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ 3.0 ને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસીક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાન સ્થાપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 2036 ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂપે 2025, 2026 તથા 2029 એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.
તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, ૨૦૧૦માં પ્રથમ ખેલ મહાકુંભમાં 16 લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના આ અમૃતકાળને વડાપ્રધાનએ કર્તવ્યકાળ કહ્યો છે તેમ જણાવતાં યુવાનોને રમત-ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક આ કર્તવ્યકાળમાં છે તેવું આહવાન કર્યુ હતું.
આ તકે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે.
ગુજરાતનો ખેલાડી ખેલના મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂપે બન્યો છે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રમત ગમત ક્ષેત્રે બદલાવ માટે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઈન સ્કૂલ યોજનામાં 230 શાળાઓમાં 1,21,520 બાળકોને સરકારી ખર્ચે સ્પોર્ટસની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) થકી રાજ્યમાં 5500 ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર રૂ. 1.60 લાખનો ખર્ચ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં 629 એથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લિટ પાછળ સરકાર રૂ. ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવે છે. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ૫૫ એથ્લિટસને રૂ1.88 કરોડના ઈનામ આપવામાં આવ્યા છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી, ગોંડલ એસ.ટી. વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવા સાથે આઠ નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગઓફ પણ કરાવી હતી.
ખેલ મહાકુંભ 3.0ના શુભારંભ પ્રસંગે ઓલિમ્પિક્સ જેવો ભવ્ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો યોજાયો હતો અને આતશબાજી થઈ હતી. જેણે ઉપસ્થિત સૌ લોકોમાં અનોખો જુસ્સો જગાવ્યો હતો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભે રાજ્યમાં અનોખી રમત-ગમત સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુ બાબરીયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયના પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણી તેમજ સાંસદ રામ મોકરીયા, ધારાસભ્યો સર્વ ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલસિંહ ડોડીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. સુશ્રી અનુપમા આનંદ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, અગ્રણી ભરત બોઘરા, મુકેશ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.