- વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં ક્ષેત્રે નવા રોકાણોથી સર્વગ્રાહી વૃદ્ધિનું વાતાવરણ ઊભું કરવાનો નિર્ધાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રવર્તમાન IT અને ITeS પોલિસી દ્વારા ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ઉભરતી ટેકનોલોજી માટે વધુ સુદ્રઢ ઇકોસિસ્ટમ ઉભી કરવા આ પોલિસીમાં વધુ વ્યાપક જોગવાઈઓ-ફેરફારો વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કર્યા છે
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 07 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળીને રાજ્યમાં ટેકનોલોજી પ્રેરીત વિકાસ સહિતના વિકાસની જે નવી દિશા આપી છે તેની સફળતાના 23 વર્ષ પૂર્ણ થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 23 વર્ષના સુશાસનની વિકાસ સપ્તાહ દ્વારા ઉજવણીનો અભિગમ અપનાવ્યો છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ લોકાર્પણ ખાતમુર્હત સાથોસાથ વિકસિત ભારત @2047ના વડાપ્રધાનના વિઝનને વિકસિત ગુજરાતથી પાર પાડવા રાજ્યની IT અને ITeS પોલિસીને વધુ પ્રોત્સાહક બનાવવામાં આવી છે.
આ પોલિસીમાં આપવામાં આવનારા પ્રોત્સાહનથી વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં ડીપ ટેક સ્ટાર્ટઅપને વેગ મળશે. એટલું જ નહીં આ અપડેટેડ પોલિસી ફ્રેમ વર્કમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોક ચેઇન, બિગ ડેટા અને ડેટા સાયન્સ જેવી અતિ આધુનિક ટેકનોલોજી પણ આવરી લેવાઈ છે. એટલું જ નહિ, IT અને ITeS પાર્ક સંબંધે પણ આ પોલોસીમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.
ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને મિક્સ્ડ રિયાલિટી (એમઆર) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી ગુજરાતનું આઇટી ક્ષેત્ર વૈશ્વિક તકનીકી પ્રગતિ સાથે જોડાયેલું છે તેની પણ આ પોલિસી દ્વારા ખાતરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં IT અને ITeS પોલિસીમાં જે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તે મુજબ CAPEX માટે સંશોધિત ટકાવારી (બિલ્ડીંગના બાંધકામ અને ખરીદી, કોમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ સંબંધિત હાર્ડવેર અને અન્ય સંબંધિત નિશ્ચિત અસ્કયામતો) અને OPEX સપોર્ટ (લીઝ રેન્ટલ, ક્લાઉડ, બેન્ડવિડ્થ, પેટન્ટ, પાવર ટેરિફ સપોર્ટ) પાત્ર સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે.
IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે CAPEX પ્રોત્સાહનો 25% થી વધારીને 30% કરવામાં આવ્યા છે. OPEX સપોર્ટ અને વિશેષ પ્રોત્સાહનો તમામ પાત્ર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે.
પોલિસીમાં આપવામાં આવેલા વિશેષ પ્રોત્સાહનોમાં રાજ્યમાં સર્જાયેલી દરેક નવી અને અનોખી નોકરી માટે રૂપિયા 60,000 સુધીની સહાય, ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજ સહાય, આત્મનિર્ભર ગુજરાત હેઠળ ચૂકવવામાં આવતી EPF રકમ હેઠળ નોકરીદાતાના વૈધાનિક યોગદાનના 100 ટકા સુધીની ભરપાઈનો સમાવેશ થાય છે. રોજગાર સહાય અને વીજળી ડ્યુટીની 100% ભરપાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પોલિસીના સુધારા ICT અને ડીપ ટેક ઇન્ક્યુબેટર્સ માટે CAPEX અને OPEX સપોર્ટ આપશે. ICT અને ડીપ ટેક એક્સિલરેટર્સ માટે રોકાણની સુવિધા પૂરી પાડશે. અને R&D, પ્રોટોટાઇપ બનાવટ અને ઉત્પાદન વિકાસ, પેટન્ટ ફાઇલિંગ, ગુણવત્તા જેવા ક્ષેત્રોમાં ICT અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને સહાય અપાશે. સર્ટિફિકેશન, લીઝ રેન્ટલ અને વહેંચાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને પણ આવરી લેવાશે.
આ પોલિસી દ્વારા આઈ.ટી. ક્ષેત્રના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ (GIC)/ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) માટે પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવશે. GIC/GCC IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30% CAPEX સપોર્ટ, નોન-IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 20% CAPEX સપોર્ટ, 15% OPEX સપોર્ટ અને રોજગાર નિર્માણ પ્રોત્સાહન, વ્યાજ સબસિડી, ઇલેક્ટ્રિક ડ્યુટી પ્રોત્સાહન જેવા વિશેષ પ્રોત્સાહનો માટે પાત્ર હશે. અને આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય હેઠળ EPF સપોર્ટ અપાશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ (એમએલ), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી), બ્લોકચેન, બિગ ડેટા અને ડેટા સાયન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને મિક્સ્ડ રિયાલિટી (એમઆર)માં ડીપ-ટેક ડેવલપમેન્ટને આગળ વધારવા માટે MR અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ નીતિ અને ડીપ ટેક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાની દરખાસ્ત પણ આ પોલિસી સુધારામાં સમાવિષ્ટ છે, આના પરિણામે AI-આધારિત ઉકેલો માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન થશે અને ઉદ્યોગ-તૈયાર પ્રતિભાને પ્રોત્સાહન મળશે.
ખાસ કરીને ટાયર-3 અને તેનાથી ઉપરના ડેટા કેન્દ્રો હવે CAPEX સપોર્ટ, OPEX સપોર્ટ અને વિશેષ પ્રોત્સાહનો માટે પાત્ર છે. CAPEX અને OPEXના સંદર્ભમાં IT પાર્ક માટે પણ સપોર્ટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુરૂપ વિકસિત ભારત @ 2047 ના નિર્માણમાં ગુજરાતમાં IT અને ITes ક્ષેત્રે નવા રોકાણો અને સર્વગ્રાહી વૃદ્ધિ માટે ગતિશીલ વાતાવરણ ઊભું કરીને વિકસિત ગુજરાત બનાવવાનો ધ્યેય IT અને ITeS પોલિસીના આ ફેરફારો થકી સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.