સરકારે રામનાથ મહાદેવ મંદિર પ્રોજેક્ટ માટે ફાળવેલી રૂ.178 કરોડની ગ્રાન્ટ સ્વર્ણિમ નહિં પરંતુ આગવી ઓળખના કામોમાંથી આપવા મેયરની માંગણી
ગુજરાતના મુખ્યમંત્રી પદે બીજી વખત સત્તારૂઢ થયા બાદ અલગ-અલગ કામોના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ વિવિધ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ગોંડલ ચોકડી બ્રિજના લોકાર્પણ વેળાએ ડાયસ પર જ્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની સ્પિચ ચાલી રહી હતી ત્યારે સીએમએ રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવને પોતાની પાસે બોલાવ્યા હતા અને રાજકોટના શું હાલ છે તેવી પૂચ્છા કરી હતી. તકનો લાભ લઇ મેયરે પણ મુખ્યમંત્રી પાસે રામનાથ મહાદેવ મંદિર પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ઝડપથી ફાળવવાની રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રામનાથ મહાદેવ કોરિડોર માટે 178 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. પરંતુ આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી છે. જેના કારણે રાજકોટને કોઇ ખાસ ફાયદો થાય તેમ નથી. કારણ કે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી શહેરમાં વિકાસના અલગ-અલગ કામો થઇ રહ્યાં છે. જો તેમાંથી ગ્રાન્ટ કાપ મૂકીને રામનાથ કોરિડોર માટે ફાળવવામાં આવે તો બીજા વિકાસ કામો ખોરંભે પડે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી મેયરે મુખ્યમંત્રી સમક્ષ આગવી ઓળખના કામ પેટે રામનાથ કોરિડોર માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી. જો સ્વર્ણિમમાંથી ગ્રાન્ટ આપવામાં આવે તો દર વર્ષે મહાપાલિકાને મળતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવે તેવું જણાવ્યું હતું. સાથોસાથ શહેરના વિવિધ વિકાસકામો માટે રૂબરૂ મુખ્યમંત્રીને મળવા આવવા માટે સમય પણ માંગ્યો હતો.
મુખ્યમંત્રીએ જ્યારે પ્રગતિમાં રહેલા વિવિધ કામો અંગે પુચ્છા કરી ત્યારે મેયરે જણાવ્યું હતું કે કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે બની રહેલા મલ્ટીલેવલ બ્રિજનું કામ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને મે માં વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. જેના લોકાર્પણ માટે પણ સીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.