- મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂ. ૭ કરોડ ૯૮ લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- વડોદરા મહાનગરને રૂ. ૬ કરોડ ૪૧ લાખ ઉપરાંત ત્રણ નગરપાલિકાઓને કુલ રૂ. ૧ કરોડ ૫૭ લાખ મળશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૧ મહાનગરપાલિકા તથા ૩ નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે રૂ. ૭ કરોડ ૯૮ લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના જન સુવિધાના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રકમ મંજૂર કરી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતની સ્થાપનાની સુવર્ણ જયંતિ અવસરે ૨૦૧૦માં આ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના આયોજનબદ્ધ અને શ્રેષ્ઠતમ શહેરી આંતર માળખાકીય વિકાસના હેતુથી શરૂ કરાવેલી છે.
આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં નગરો-મહાનગરોની ખાનગી સોસાયટીઓમાં આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ગટર લાઈન, કોમન પ્લોટ તથા વરસાદી પાણીના સંગ્રહ માટેના રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામો હાથ ધરવામાં આવે છે.આ હેતુસર મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી વડોદરા મહાનગરપાલિકાની ૯૨ કામોની રૂ. ૬,૪૧,૩૨,૧૭૩ની રકમના કામોની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ૩૦૮ ઘરોને ગટર જોડાણ માટે રૂ. ૨૧.૫૬ લાખ, કડી નગરપાલિકાને પેવરબ્લોક, સી.સી. રોડ અને પાણીની પાઇપ લાઇનના ૮ કામો માટે રૂ. ૨૭.૯૬ લાખના કામોની તેમણે અનુમતિ આપી છે.
મહેસાણા નગરપાલિકાને આ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના ૨૧ કામો માટે ૧ કરોડ ૭ લાખ ૨૪ હજાર રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના આવા કામો માટે થતી કુલ રકમમાં ૭૦ ટકા રાજ્ય સરકારની સહાય, ૨૦ ટકા સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસિપલ સભ્ય અને સોસાયટીનો ફાળો અને ૧૦ ટકા જે તે સ્થાનિક સંસ્થાએ ફાળો આપવાનો રહે છે.રાજ્ય સરકારની ૭૦ ટકા મુજબની સહાયમાં પ્રતિ લાભાર્થી પરિવાર દીઠ અગાઉ વધુમાં વધુ રૂ. ૨૫ હજારની સહાય મર્યાદા હતી તે હવે દૂર કરી દેવામાં આવી છે.