કલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ કર્નને એટ્રોસિટી મામલે સુપ્રીમના સાત ન્યાયાધીશો પાસે જવાબ માંગતા ચકચાર
દેશની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં આશ્ર્ચર્યજનક સમય જોવા મળી રહ્યો છે. કલકત્તા હાઇકોર્ટના જજ પાગલપનની હદ વટાવી ચૂક્યા હોય તેવુ લાગી રહ્યું છે. હાઇકોર્ટના જસ્ટીસ સી.એસ.કર્નનને ગઇકાલે દેશના ચીફ જસ્ટીસ જે.એસ.ખેહર સહિત સુપ્રીમ કોર્ટના છ ન્યાયાધીશોને કલકત્તા હાઇકોર્ટમાં હાજર રહેવા સમન્શ પાઠવ્યા છે. તેમના આ નિર્ણયથી ન્યાયપ્રણાલીમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા ચીફ જસ્ટીસ ખેહર અને અન્ય છ ન્યાયાધીશોએ હાઇકોર્ટના જસ્ટીસ કર્નનને તા.૩૧ માર્ચ સુધીમાં હાજર રહેવા હુકમ કર્યો હતો. સાત ન્યાયાધીશોની ખંડપીઠે કર્નન સામે જામીનપાત્ર ધરપકડ વોરંટ કાઢ્યું હતું. જેનાથી છંછેડાયેલા કર્નને તા.ર૮ એપ્રીલ સુધીમાં સાતેય ન્યાયાધીશોને કલકત્તાની હાઇકોર્ટમાં હાજર રહેવા સમન્શ મોક્લ્યું છે. તેઓ એટ્રોસિટી એક્ટના ભંગ મામલે સાતેય ન્યાયાધીશોનો જવાબ ઇચ્છી રહ્યા છે. તેમણે સુઓમોટો જ્યુડીશીયલ ઓર્ડર પાસ કર્યો છે.
અગાઉ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ કલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ કર્નનની માનસિક સ્થિતિ ઉપર સવાલ કર્યા હતા. આ ઉપરાંત અન્ય છ જજોએ ઓપન કોર્ટમાં અપમાન કર્યુ હોવાનો કર્નન દાવો કરી રહ્યા છે. અગાઉ હાઇકોર્ટના છ ન્યાયાધીશોની નિમણુંકમાં ભ્રષ્ટાચાર મામલે કર્નને અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમના પર વડી અદાલતે પગલા લેવાનો નિશ્ર્ચય કર્યો હતો અને તેમણે બંધારણીય ખંડપિઠ સામે હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ કર્નને આ વાતનો ઇન્કાર કરતા તેમની સામે વોરન્ટ કઢાયું હતુ અને બંગાળના ડીજીપી સહિતનો પોલીસ કાફલો તેમની ધરપકડ માટે પહોંચ્યો હતો.