મુખ્ય ન્યાયાધીશ સામે થયેલી ફરિયાદની તપાસમાં કોઈ પુરાવા ન મળ્યા
સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે મુકાયેલા પૂર્વ મહિલા કર્મચારીનાં જાતીય સતામણીનાં આક્ષેપોનાં કેસમાં ૩ ન્યાયમૂર્તિની તપાસ સમિતિએ મુખ્ય ન્યાયમૂર્તિ સામે આક્ષેપોને બેબુનિયાદ ગણાવી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને કલીનચીટ આપી મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે કોઈ નકકર પુરાવાઓ ન હોવાનું જણાવી મુખ્ય ન્યાયમૂર્તિ સામેનો કેસ ખારીજ કરી દીધો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે કોર્ટનાં પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ૧૯, એપ્રિલ ૨૦૧૯નાં રોજ જાતીય સતામણી, યૌન ઉતપીડનનાં આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદની ૩ ન્યાયમૂર્તિઓની સમિતિ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ અંગે મુખ્ય ન્યાયમૂર્તિ સામે થયેલા આક્ષેપોને સાચા ઠેરવતાં કોઈ પુરાવાઓ ન મળતાં આ કેસ ખારીજ કરી દેવામાં આવ્યો હતો તેમ સુપ્રીમ કોર્ટનાં મુખ્ય સચિવ સંજીવે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ કેસમાં ન્યાયમૂર્તિ બોબડે, ઈન્દુ મલ્હોત્રા અને ઈન્દિરા બેનરજીની સમિતિએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામેનાં કેસ અંગે ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને એન.વી.રામન્નાને આ અંગેનો અહેવાલ સુપ્રત કરી રંજન ગોગોઈ સામે કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું અને મુખ્ય ન્યાયમૂર્તિ નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.