સુપ્રીમમાં દરરોજ આવતા એક હજાર જેટલા નવા કેસોને નોંધાવવા વકીલોની લાંબી લાઈનો લાગતી હોવાનો ગોગોઈનો વસવસો
ભારતમાં ન્યાય મેળવવાની આખરી આશાના કિરણ સમાન સુપ્રીમ કોર્ટમાં દરરોજ દેશભરમાંથી એક હજાર જેટલા નવા કેસો ન્યાયની આશામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં નવા કેસ નોંધવાની રજીસ્ટ્રીમાં ગરબડીને કારણે કેસો નોંધાવવા વકીલોની લાંબી લાઈનો લાગે છે. આ નવા કેસોને એક અઠવાડીયા કે તેથી વધુ સમય માટે સુચિબધ્ધ કરી શકાતા નથી રજીસ્ટ્રીની આ અવ્યવસ્થાને સુધારવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડયા છે. જેથી ગઈકાલે ગોગોઈએ આ મુદે પોતાની વ્યથા ઠાલવી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ મુદે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતુ કે સુપ્રીમની રજીસ્ટ્રીમાં દરરોજ વકીલોને પોતાના નવા કેસોની નોંધાવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું પડે છે. જેથી આ બાબતમાં મૂળભૂત રીતે કંઈક ખોટુ છે મે આ સમસ્યાના નિરાકરણ માટે રજીસ્ટ્રીની વ્યવસ્થામાં ફેરફાર કરાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં મને તેમાં નિષ્ફળતા મળી છે તેવો વસવસો વ્યકત કરીને ગોગોઈએ ઉમેર્યું હતુ કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દરરોજ ૬૦૦ નવા કેસો દાખલ થાય છે. આ કેસોબીજા જ દિવસે સુનાવણી માટે સુચિબધ્ધ થઈ જાય છે. જયારે સુપ્રીમ કોર્ટમાં દરરોજ ૧૦૦૦ નવા કેસો દાખલ થાય છે. જે અઠવાડીયા સુધી સુનાવણી માટે સુચિબધ્ધ તતા નથી જે એક ચિંતાની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ૩૧ ચીફ જસ્ટીસ સહિત ન્યાયમૂર્તિઓ છે અને તેમાં ૫૯,૦૦૦ જેટલા કેસો પેન્ડીગ છે તેમાના ૪૦,૦૦૦ જેટલા કેસો નોટીસ પછીના છે.જેથી દરકે જસ્ટીસ પાસે ૧,૩૦૦ની આસપાસ કેસો છે.જયારે બે જજોનીબેંચ સુનાવણી માટે બેસે છે. ત્યારે આ બેંચ પાસે કેસોની સંખ્યા ૨,૬૦૦ જેટલી થઈ જાય છે. જયારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ૫૦ જજોની સંખ્યા છે. અને ત્રણ લાખ કરતા વધુ કેસો પેન્ડીંગ છે.