નવ મહિનામાં ભરતીની પ્રક્રિયા પુરી કરવાનો આદેશ હતો
હાઈકોર્ટમાં ખાલી પડેલી ન્યાયાધીશોની ભરતીને લઈ સુપ્રીમ કોર્ટે ચીમકી આપી છે. સુપ્રીમે હાઈકોર્ટને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની ભરતી તાત્કાલિક કરવામાં આવે અને જો તમે સક્ષમ ન હોય તો આ મામલો અમે હાથમાં લઈશું હાઈકોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓથી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને તાકીદ કરી છે.
આ અંગે ચીફ જસ્ટીસની બેચ રંજન ગોગોઈ અને જસ્ટીસ યુ.યુ.લલીત તેમજ કે.એમ.જોસેફે જણાવ્યું કે, અમે રાજય સરકાર અને હાઈકોર્ટને આ અંગે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે જો તમે નીચલી અદાલતોની ખાલી જગ્યા ભરવા સક્ષમ ન હોવ તો અમે આ સમગ્ર મામલો હાથમાં લઈ લેશું અને કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા ભરતી કરીશું. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની ભરતીને લઈ રાજય અને હાઈકોર્ટ આંકડાની બાબતે અસફળ રહ્યા છે.
સીજેઆઈએ કહ્યું કે, ઉદાસીનતાનું સ્તર અસાધારણ છે. ૨૨ ઓકટોબરે ચીફ જસ્ટીસ ગોગોઈની ખંડપીઠે આ મામલાને અપનાવી લીધો અને બધા રાજય સરકાર અને હાઈકોર્ટને નીચલી અદાલતના ન્યાયાધીશોની ભરતીની સ્થિતિ પર અદ્યતન કરવાનો આદેશ આપ્યો. આદેશ અનુસાર નીચલી અદાલતોએ નવા ન્યાયાધીશોની ભરતીની પ્રક્રિયા નવ મહિનામાં પૂર્ણ કરવાની હોય છે જે હજી સુધી થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને હરિયાણાની સ્થિતિ પર એક ઉદાહરણના રૂપે સમગ્ર ચર્ચા કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ યુ.યુ.લલિત અને કે.એન.જોસેફ સહિતની બેંચે કહ્યું કે, દિલ્હીએ માત્ર ૨૦૦ ખાલી જગ્યા ભરવા માટે એક વર્ષનો સમય લીધો હતો.
હરિયાણામાં ખંડપીઠે ખુલાસો કરતા કહ્યું કે, ૨૦૧૫માં આયોજીત પરીક્ષા રદ કરાઈ હતી અને ૨૦૧૮માં પ્રસારીત કરાયેલી નવી ભરતીની પ્રક્રિયામાં ભારે વૃદ્ધિ થઈ જેનાથી આવેદનની છેલ્લી તારીખ પર અધિકારિક વેબસાઈટ બંધ થઈ ગઈ.
વધુમાં સીજેઆઈએ જણાવ્યું કે, જો ૨૦૧૫ અને અત્યારના સમયની વાત કરીએ તો ૧૦૦ ઓડ પોસ્ટ માટે ૩૨ હજાર જેટલા લો-ગ્રેજયુએટે અરજી કરી છે. જેઓ ખરેખર આ પદને લાયક છે તેઓ શા માટે વંચિત રહે ? આ અંગે હરિયાણા અને પંજાબ હાઈકોર્ટમાં એફીડેવીટ ફાઈલ કરવામાં આવી છે.
જે અંતર્ગત આ સમગ્ર મામલાનું ઝડપી નિરાકરણ લાવવા સુપ્રીમે હાઈકોર્ટને ચીમકી આપી છે. બેંચે સમગ્ર પરિસ્થિતિની તપાસ કરતા નિર્ણય લીધો અને ૧૫ નવેમ્બર સુધી રજીસ્ટ્રાર જનરલ અને ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, છતિસગઢ, દિલ્હી અને ઉતરપૂર્વી રાજયોના મુખ્ય સચિવોના અધિકૃત પ્રતિનિધિઓને બોલાવ્યા છે.