રાજકોટ જિલ્લાના અધિકારીઓને બંદોબસ્ત, વેબકાસ્ટીંગ, મતદાન મથકો ઉપરની સુવિધા, સવેતન રજા સહિતના મુદ્દે માર્ગદર્શન અપાયું
વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022ને લઈને આજરોજ મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સંદર્ભે કામગીરી અંગે વીડિયો કોંફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ જોડાયા હતા.
આ તકે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સુરક્ષા બંદોબસ્ત, વેબ કાસ્ટિંગ, બુથ મેનેજમેન્ટ, મતદાન માટે સવેતન રજા, મતદારો માટે મતદાન મથક ઉપર આનુસંગિક સુવિધાઓ સહિતના દરેક પાસાઓ પર વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુ. કમિશ્નર અમિત અરોરા, પ્રાદેશિક મ્યુ. કમિશ્નર ધીમંત કુમાર વ્યાસ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજ ગોહિલ, નાયબ મ્યુ. કમિશ્નરઓ આશિષ કુમાર, ચેતન નંદાણી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તેમજ સંબધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.